ગોંડલના રેતી-કપચીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવનાર રાજકોટની ત્રિપુટી ઝડપાઈ
ગોંડલના ડૈયા ગામે રહેતા રેતી કપચીના ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવી પડધરીના ખજુરડી ગામે આશ્રમે લઈ જઈ છરીની અણીએ ડ્રગ્સના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ રોકડ અને સોનાનો ચેઈન મળી એક લાખની માલમત્તા પડાવી લીધાની પોલીસમાં નોંધાવેલ ફરિયાદનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી રાજકોટની યુવતી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય કોઈ ગુના આચરેલ છે કે કેમ ? તે જાણવા રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલના ડૈયા ગામે રહેતા રેતી કપચીના ધંધાર્થી નિતેશભાઈ રાઠોડને તેના મોબાઈલ ફોનમાં અઠવાડિયા પહેલા વોટસએપ કોલ આવ્યો હતો જેમાં યુવતીએ તેમની સાથે વાત કરી પોતે સેવાકીય કાર્ય કરતી હોવાનું અને આશ્રમમાં દાન કરતી હોવાનું જણાવ્યું હતું અને વેપારીને પણ આશ્રમમાં સેવા કરવા અને દાન આપવાનું કહ્યું હતું.
વોટસએપ કોલમાં સતત પાંચ દિવસ સુધી યુવતીએ ફોન કરી મળવા માટે વેપારીને બોલાવ્યા હતાં અને ગત તા.5-7-2024નાં વેપારીને રાજકોટમાં બેંકનું કામ હોય તેઓ રાજકોટ આવ્યા બાદ યુવતીને ફોન કરી મળવાનું કહેતા પ્રથમ માધાપર ચોકડી અને ત્યારબાદ ઘંટેશ્ર્વર ગામે મળવા બોલાવ્યા હતાં જ્યાંથી વેપારીની કારમાં જ યુવતી બેસી ગઈ હતી અને પડધરીનાં ખજુરડી ગામે આવેલ આશ્રમે ગયા હતાં. આશ્રમ પાસે વેપારી પોતાની કારમાં બેઠા હતાં ત્યારે પાછળથી બાઈકમાં આવેલા બે શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ યુવતી કોણ છે ? તેમ પુછયું હતું. વેપારીએ યુવતીને ઓળખતા નહીં હોવાનું જણાવતાં પોલીસના સ્વાંગમાં આવેલા બન્ને શખ્સોએ આ યુવતી ડ્રગ્સની ધંધાર્થી છે અને અમે તેને અઠવાડિયાથી શોધીએ છીએ તું પણ તેની સાથે ડ્રગ્સનો ધંધો કરશ તેમ કહી વેપારીને ડ્રગ્સના ધંધામાં ફીટ કરી દેવાની ધમકી આપી તેના ખીસ્સામાં રહેલા 42 હજાર રોકડા અને ગુગલ પેથી 35 હજાર અને સોનાનો ચેઈન મળી 1.07 લાખની માલમત્તા પડાવી લીધી હતી.આ બનાવ અંગે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુગલ પે થી કરવામાં આવેલા પૈસાના ટ્રાન્જેકશના આધારે રાજકોટના ભગવતીપરા શેરી નં.10માં રહેતા અરવિંદ ઉર્ફે અનિલ આંબાભાઈ ગજેરા, મોરબી રોડ શ્રી હરિ સોસાયટીમાં રહેતા સુરેશ ધરમશી ગોધાણી અને ભગવતીપરા નંદનવન સોસાયટી શેરી નં.10માં રહેતી જીન્નત ઉર્ફે બેબી રફીકભાઈ મકવાણાની પોલીસે ધરપકડ કરી આ ત્રિપુટીએ અન્ય કોઈ વેપારીઓને હનીટ્રેપની જાળમાં ફસાવ્યા છે કે કેમ ? તે જાણવા રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પડધરીના પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.