રાજકોટ નિવૃત ફોરેસ્ટ કર્મીને ડિઝિટલ અરેસ્ટ કરી 8.93 લાખ પડાવ્યા
ટ્રાયના અધિકારીની ઓળખ આપી યુવતીએ તમારા સિમકાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે કહી સિમ બંધ કરવાની વાત કરી, બાદમાં મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ ઇન્સ્પેકટરની ઓળખ આપી કહ્યું, 68 લાખના ફ્રોડ મામલે તમારા કારણે એક મહિલાએ સ્યુસાઇડ કર્યુ છે
છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમા સાયબર ગઠીયા ગેંગ દ્વારા ડિઝિટલ અરેસ્ટ કરી પૈસા પડાવવાનુ કારસ્તાન સામે આવે છે. હજુ ગઇકાલે ગાંધીનગરમા એક મહિલા તબીબને સતત ત્રણ માસ સુધી ડિઝીટલ એરેસ્ટ કરી રૂપિયા 19 કરોડની રકમ પડાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યાં જ રાજકોટ શહેરમા રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક સિલ્પન ઓનેક્ષ સોસાયટી નજીક પામ યુનિવર્સમા રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ કલાર્કને મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ ઇન્સ્પેકટરની ઓળખ આપી આરોપીએ કહયુ હતુ કે તમારા સીમ કાર્ડનો ખોટી જગ્યાએ ઉપયોગ થઇ રહયો છે . અને તમારા થકી 68 લાખનુ ફ્રોડ ટ્રાન્ઝેકશન થયુ છે. જેનાં કારણે કોઇ મહીલાનાં પૈસા ગયા હોય અને તેમણે સ્યુસાઇડ કરી લીધુ છે. અને તમારુ અરેસ્ટ વોરંટ નીકળ્યુ છે. તમારે મુંબઇ આવવુ પડશે તેમ કહી નિવૃત ફોરેસ્ટ કર્મચારીને ડિઝીટલ અરેસ્ટ કરી રૂ. 8.93 લાખ પડાવ્યા હોવાની ફરીયાદ રાજકોટ શહેર સાયબર સેલ પોલીસ સ્ટેશનમા નોંધાઇ છે. આ ઘટનામા પોલીસ દ્વારા ફરીયાદીનાં મોબાઇલમા આવેલા કોલનાં આધારે તપાસ તેજ કરી છે.
વધુ વિગતો મુજબ રૈયા સ્મશાનની બાજુમા ગંગોત્રી પાર્ક મેઇન રોડ પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમા રહેતા સુર્યકાંતભાઇ મોહનલાલભાઇ રાઠોડ (ઉ.વ. 63 ) નામના વૃધ્ધે પોતાની ફરીયાદમા અલગ અલગ બેંક ખાતા ધારકો વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે. સુર્યકાંતભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ફોરેસ્ટ હેડ કલાર્ક તરીકે બહુમાળી ભવન ખાતે નોકરી કરતા હતા. અને 2019 મા તેઓ રીટાયર્ડ થતા હાલ નિવૃત જીવન ગાળી રહયા છે. ગઇ તા. 28-11-2024 નાં રોજ તેમનાં પર એક મોબાઇલ નંબર માથી કોલ આવ્યો હતો. અને તેમને યુવતિએ પોતાનુ નામ દીયા શર્મા જણાવ્યુ હતુ. અને પોતે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા (ટ્રાય) માથી વાત કરે છે. અને તમારા મોબાઇલમા બે જીયો સીમ છે. જેનો ખોટો ઉપયોગ થઇ રહયો છે. તે સીમ કાર્ડ બંધ કરવુ પડશે. તેમ વાત કરી હતી.
ત્યારબાદ તમારૂ સીમ કાર્ડ અહીં ઓફીસમાથી બંધ કરી નાખુ છુ . તેમ વાત કરતા સુર્યકાંતભાઇએ જણાવ્યુ કે તેઓની પાસે એક જ સીમ કાર્ડ છે. થોડીવાર બાદ બીજા અજાણ્યા નંબરમાથી બીકેસી મહારાષ્ટ્રથી સાયબર ક્રાઇમ ઇન્સ્પેકટર મોહીત હાન્ડાની ઓળખ આપી સામાવાળા વ્યકિતએ વાત કરી કે ટ્રાયમાથી તમારી ફરીયાદ આવેલી છે. તમારા સીમ કાર્ડનાં નંબર મારફતે આધાર કાર્ડ ઉપરથી એક એચડીએફસી બેંકનુ ખાતુ ખુલ્યુ છે. તે એકાઉન્ટમા રૂ. 68 લાખનુ ફ્રોડ ટ્રાન્ઝેકશન થયુ છે. તે કોઇ મહીલાનાં પૈસા ગયા હોય તેમણે સ્યુસાઇડ કરી લીધુ છે.
ત્યારબાદ આરોપીએ જણાવ્યુ કે તમારા સામે અરેસ્ટ વોરંટ નીકળ્યુ છે. તમારે મુંબઇ આવવુ પડશે. એટલે સુર્યકાંતભાઇએ મુંબઇ જવાની ના પાડતા સામા છેડે મોહીત હાન્ડા નામનાં શખસે વિડીયો કોલ મારફતે ઇન્વેસ્ટીગેશન કરુ છુ. તમારે કોઓપરેટ કરવા પડશે. તેમ વાત કરતા સુર્યકાંતભાઇએ હા પાડી હતી. અને ત્યારબાદ ફરીયાદી સુર્યકાંતભાઇને આરોપીએ કહયુ કે અરેસ્ટ ન થવુ હોય તો બે લાખનાં બોન્ડ આપવા પડશે. જેથી સુર્યકાંતભાઇ ગભરાઇ ગયા હતા. અને તેઓએ વોટસઅપ મારફતે એક લીંક મોકલી હતી. તે લીંક ઓપન કરતા સુર્યકાંતભાઇનાં મોબાઇલની સ્ક્રીન ખુલ્લી હતી.
અને તેઓએ વિડીયો કોલથી જણાવેલ ખાતા નંબરમા યુપીઆઇ ટ્રાન્ઝેકશન થકી અલગ અલગ બેંક ખાતામા રૂ. 8.93 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીયાદ સુર્યકાંતભાઇને પોતાની સાથે ફ્રોડ થયાનુ જાણવા મળતા તેઓએ તુરંત સાયબર સેલ હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કરી ડિઝીટલ અરેસ્ટ અંગેની તેમજ યુપીઆઇ ટ્રાન્ઝેકશન થકી જે ખાતામા રૂપિયા ટ્રાન્સફર કર્યા તે ખાતાની વિગતો આપતા રાજકોટ સાયબર સેલ સ્ટાફનાં પીઆઇ એસ. ડી. ગીલ્વા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.