ગોંડલ આશાપુરા મંદિરના સિકયુરિટી ગાર્ડને બંધક બનાવી લૂંટ ચલાવનાર રાજકોટનો શખ્સ પકડાયો
ગોંડલના આશાપુરા મંદિરમાં સિકયોરિટીગાર્ડને બંધક બનાવી સોના ચાંદીના છતર અને કોપરની લુંટની ઘટનાનો ભેદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી આ લુંટમાં સંડોવાયેલ ટોળકીના રાજકોટ રહેતા શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ટોળકીના બે સાગ્રીતોના નામ ખુલ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે સોના ચાંદીના છતર, મુગટ અને રોકડ સહિત 61 હજારનો મુદ્ધામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગોંડલના 340 વર્ષ જુના રાજવી પરિવાર હસ્તકના આશાપુરા માતાજીના મંદિરમાં ગત તા.3-7-2024નાં રોજ લુંટારૂઓ ત્રાટકયા હતાં. રાત્રિના બે વાગ્યાના સુમારે ચોકીદાર યોગેન્દ્રસિંહ, બળવંતસિંહ થાપા (ઉ.75)ને બંધક બનાવી ખુરશી સાથે બાંધી દઈ અને ઓરડીમાં પુરી દીધા બાદ મંદિરના દરવાજાના તાળા તોડી ત્યાંથી ચાર છતર, ચાંદીની એક પાદુકા, સોનાના 65 ચાંદલા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આશાપુરા મંદિરમાં લુંટ ચલાવનાર ટોળકી રાજકોટનાં જામનગર રોડ પર હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.જે.હુણ અને તેમની ટીમે આ ટોળકીના બે સભ્યોને ઝડપી લીધા હતાં. રાજકોટનાં રૂખડીયાપરામાં રહેતા મુળ યુપીના રામનગરના વતની કુંવરપાલસિંહ ઉર્પે કપ્તાનસિંહ નીરપતસિંહ નાઈક (ઉ.60)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં સંજયસિંહ કુલસિંહ નાઈક, પ્રમોદ ક્રિપાલ ચૌધરીની આ લુંટમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું. રાજકોટનાં શખ્સની કબુલાતના આધારે આ બન્નેની શોધખોળ શરૂ કરાઈ છે અને ક્રાઈમ બ્રાંચે કુંવરપાલ પાસેથી સોનાના ચાંદલા, છતર સહિત 61 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા તથા ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિં ગોહિલની સુચનાને આધારે એસીપી ભરત બી. બસીયા અને પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.