રાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયો
થાઈલેન્ડથી મંગાવેલ હાઈબ્રીડ ગાંજાનું પાર્સલ લેવા બોગસ આધારકાર્ડ બનાવી આવેલા રાજકોટના યુવક અને મિત્રની પૂછપરછ
સૌરાષ્ટ્રમાં વિદેશથી હાઈબ્રીડ ગાંજા મંગાવી વેપાર કરતી સીન્ડીકેટનો પર્દાફાશ થાય તેવી શકયતા
અમદાવાદની આઈટી કંપનીમાં નોકરી કરતાં રાજકોટના એક અગ્રણીના પુત્રને થાઈલેન્ડથી મંગાવેલ હાઈબ્રીડ ગાંજાના પાર્સલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકોટનાં આ યુવકે ફોરેન પોસ્ટ ઓફિસમાં ગાંજાનું પાર્સલ લેવા બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું હતું. પકડાયેલ રાજકોટનાં યુવકે આ પાર્સલ તેના મિત્રનું હોવાનું જણાવતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. બન્નેની પુછપરછમાં હાઈબ્રીડ ગાંજાનો વેપાર કરતી સીન્ડીકેટનો પર્દાફાશ થાય તેવી શકયતા છે.
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી પાર્સલમાં ડ્રગ્સ અને ગાંજો ઘણી વાર આવ્યા અને પોલીસે -કસ્ટમ્સની ટીમે તે કબજે લીધા પરંતુ કોઇ કેસમાં આ ગાંજો મગાવનાર ઝડપાતા નથી. આ દરમિયાન પોસ્ટ ઓફિસમાં થાઇલેન્ડથી આવેલું એક પાર્સલ લેવા માટે રાજકોટના યુવક આવ્યો અને કસ્ટમ્સની ટીમે તેને ઝડપી લીધો. કેમ કે થાઇલેન્ડથી આવેલા પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો હતો.
પકડાયેલ યુવક પોતાના મિત્રનું પાર્સલ લેવા આવ્યો હોવાનું રટણ કરતાં તેના મિત્રને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હવે એક એજન્સી દ્વારા આ કેસની તપાસ શરૂૂ કરાઈ છે. જેમાં હાઇબ્રીડ ગાંજાનો વેપાર કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે. ઓનલાઇન ઓર્ડર આપી ગાંજો મગાવનાર યુવક રાજકોટનો છે અને અમદાવાદમાં પેઇંગ ગેસ્ટહાઉસમાં રહે છે. તેની સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાં થાઇલેન્ડથી એક પાર્સલ આવ્યું. જે ઘાટલોડિયા- ચાંદલોડિયાના એક એડ્રેસ પર મોકલવાનું હતું. કસ્ટમ્સની ટીમે તપાસ કરતાં આ પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો હતો. ડિપાર્ટમેન્ટ દ્વારા જે એડ્રેસ આપવામાં આવ્યું હતું ત્યાં તપાસ કરવામાં આવી તો એડ્રેસ ખોટું હોવાનું સામે આવ્યું. તેને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા તેની તપાસ શરૂૂ કરવામાં આવી હતી. ચારેક દિવસ બાદ એક યુવક આ પાર્સલ કલેક્ટ કરવા આવ્યો. ડિપાર્ટમેન્ટે આઇડી પ્રૂફ આપીને પાર્સલ લઇ જવાની સૂચના આપી. યુવાને આધાર કાર્ડ આપતાં જ ડિપાર્ટમેન્ટે તેને ઝડપી લઇ ગાંજાની પૂછપરછ શરૂૂ કરવામાં આવી. પાર્સલ લેવા માટે આવેલા યુવકે બોગસ આધાર કાર્ડ પર પોતાનો ફોટો લગાવ્યો હોવાનું કબૂલતા આ પાર્સલ તેના એક મિત્રએ મગાવ્યું હોવાનું જણાવ્યું હતું. મિત્રે પાર્સલ લાવી આપવાના બદલામાં ચોક્કસ રૂૂપિયા પણ આપવાનું કહ્યું હતું. પોલીસે પાર્સલ મગાવનાર યુવકની વિગતો મેળવી તેને શહેરના પોશ વિસ્તારમાં હેબતપુર રોડ પરના પીજીમાંથી ઝડપી લીધો હતો.
હવે તેની પૂછપરછ ચાલી રહી છે. કસ્ટમ્સની ટીમને ગાંજો મંગાવનાર યુવકને ઝડપી લેવામાં પહેલી વખત સફળતા મળી છે. યુવક મૂળ રાજકોટનો છે અને શહેરની આઇટી કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે ઘણા મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવાનું જાણી શકાયું છે. હવે આ પ્રકરણની તપાસ એક એજન્સીની ટીમ કરી રહી છે. જો કે યુવક માટે મોટા રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની ભલામણ આવી રહી હોવાનું જાણી શકાયું છે. એજન્સીના અધિકારીઓ પણ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને ફરિયાદ નોંધવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.