રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી
જોડિયાની એક સંસ્થા પાસેથી બાળકોની મળતી ગ્રાન્ટ અંગે માહિતી માગી હતી
રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે રાજકોટના યુવકને ફોન કરી ગાળો ભાંડી ખૂનની ધમકી આપી હતી. રાજકોટમાં કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળની સાંઇ બાબા પાર્ક સોસાયટીમાં રહેતા પત્રકાર પુનિતભાઇ સુરેશચંદ્ર રાવલે (ઉ.વ.57) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધ્રોલના આશીફ અલ્લારખા જામીનું નામ આપ્યું હતું.
પુનિતભાઇએ ફરિયાદમા જણાવ્યું હતું કે તેમણે 3 એપ્રિલના બીઆરસી કોર્ડીનેટર જોડીયાને સંબોધીને આરટીઆઇ કરી હતી અને તેમાં શિક્ષણ પ્રવૃતિમાં બાળકોને મળતી ગ્રાન્ટ અંગેની માહિતી માગી હતી, જેની સામે બીઆરસી કોર્ડીનેટરે અપુરતી માહિતી આપી હોવાથી પુનિતભાઇએ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે અરજી કરી હતી.
ગત તા.29 સપ્ટેમ્બરના સાંજે પાંચેક વાગ્યે પુનિતભાઇએ બીઆરસી કોર્ડીનેટર આશીફ અલ્લારખાને ફોન કરીને અપુરતી માહિતી મળ્યાની વાત કરી હતી, ત્યારબાદ તે રાત્રીના આશીફ અલ્લારખાએ ફોન કરીને પુનિતભાઇને કહ્યું હતું કે, નહું તારાથી બીતો નથી, અને જોડીયા તાલુકામાં તને જામી નામનો એક જ વ્યક્તિ મળ્યોથ તેમ કહી ગાળો ભાંડી હતી અને તું મને ભેગો થા એટલે તને મારી જ નાખવો છે તેમ કહી ધમકી આપી હતી.આ મામલે અંતે ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.