રાજકોટ GSTના અધિકારી સામે અઢી વર્ષ બાદ 3 હજારની લાંચ અંગેનો ગુનો નોંધાયો
કારખાનેદાર પાસે GST નંબર માટે 3 હજારની લાંચ માગી હતી, ઋજક રિપોર્ટને આધારે કાર્યવાહી
રાજકોટમાં અઢી વર્ષ પહેલાના લાંચ કેસમાં GST અધિકારી સામે હવે ગુનો દાખલ થયો છે. 24 જાન્યુઆરી, 2023ના ગ્રાહકને કારખાનાના GST નંબર મેળવવા હતા. જોકે, તેના માટે તત્કાલીન સહાયક રાજ્ય વેરા કમિશનર ભરત સુરેલીયાએ રૂૂ.3000ની લાંચ માંગી હતી. જોકે, તેની તપાસ હવે પૂર્ણ થતા 4 ડિસેમ્બર, 2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદી ગ્રાહકને પોતાના કારખાના માટે GST નંબર મેળવવા હતા. જોકે, તાત્કાલિક સહાયક રાજ્ય વેરા કમિશનર અને વર્ગ-1ના અધિકારી ભરતભાઈ શામજીભાઈ સુરેલીયાએ 3000ની લાંચ માંગી હતી. ગત 24 જાન્યુઆરી, 2023ના GST કચેરીમાં ઘટક-93માં સહાયક રાજયવેરા કમિશનરની કચેરીમાં જ આ અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી. જોકે, તે વખતે ACBએ ગોઠવેલા છટકામાં તેઓ ઝડપાઈ ગયા હતા.
રાજકોટ ACBના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપર વિઝનમાં રાજકોટ ગ્રામ્યના એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ આ કેસમાં ફરિયાદી બન્યા હતા. જોકે, ત્યારબાદ આ કેસમાં તપાસ ચાલી રહી હતી અને તાજેતરમાં જ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો અને તેમાં સાબિત થયું કે, GST અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને તેથી 4 ડિસેમ્બર, 2025ના રાજકોટ ACBમાં અધિકારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી પાસેથી પોતાના અંગત ફાયદા માટે લાંચની માંગણી કરી, અનુચીત લાભ મેળવવા તેમજ પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી ગુન્હો કર્યો હોવાનું ખુલ્યું છે.