રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો
જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર યાત્રીકોના રૂપમાં લીલી પરિક્રમામાં દારૂની બોટલો લઇ પહોંચ્યા હતા અને ત્યા દારૂ વેચતા નજરે પડતા જુનાગઢ પોલીસે બંનેને 38 દારૂની બોટલ સાથે પકડી લીધા હતા. સામાન્ય રીતે લીલી પરિક્રમા જીવ અને શિવના મિલન માટેનુ ગણવામાં આવે છે જયા આધિ, વ્યાધિ અને ઉપાધિ છોડી દુનીયાથી અલિપ્ત થઇ ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ માટેની આ લીલી પરિક્રમાને લોકો ગણે છે.
ત્યારે આજના જમાનામાં પુણ્યનુ ભાથુ બાંધવાના બદલે આ પરિક્રમામાં અસામાજીક તત્વોનો પ્રવેશ થઇ ચુકયો હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. જુનાગઢ પોલીસ વ્યસનને લગતુ તમામ વસ્તુઓ મુકીને જ આગળ વધવા તમામ ભકતો અને યાત્રિકોને સુચનાઓ આપી હોવા છતા રાજકોટમાં રહેતા જગદીશ ઉર્ફે મનીશ ધંધાણીયા અને ચોરવાડના રમેશ પંડીત બંને શખ્સો જીણાબાવાની મઢી નજીક દારૂનુ વેચાણ કરતા હોવાનુ સામે આવતા બંનેની બેગમાં તપાસ કરતા 38 દારૂની બોટલ મળી આવી હતી. બંનેની ધરપકડ કરી પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આ બનાવની તપાસ પીએસઆઇ એચ. પી. ગઢવી ચલાવી રહયા હોવાનુ જાણવા મળી રહયુ છે.