મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા
મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની બાગડોર જખઈએ સંભાળી છે અને તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે કૌભાંડ ઓગસ્ટથી ચાલતું હતું અને કોલસો ગાંધીધામથી આવતો અને રાજસ્થાનના ભીલવાડા જતો હતો.
કે.ટી. કામરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીધામની રોમેટ રિસોર્સિસ પ્રા.લિ. કંપની પીસીઆઇ નામનો ઉચ્ચ ક્વોલિટીનો કોલસો આયાત કરતી હતી અને તે રાજસ્થાનના ભીલવાડાની જિંદાલ લિમિટેડને વેચતી હતી. અહીંથી ભરાઇને નીકળતા ટ્રકનો ડ્રાઇવર કોલસા ચોરને ત્યાંથી નીકળ્યાની બાતમી આપતો અને તેને ટીપ દીઠ કૌભાંડકારો એક હજાર રૂૂપિયા આપતા અને જે કોલસાના ભાવ ટનના 14,000 રહેતા હતા તે કાઢી લઇ, તેમાં બીજો હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને બાદમા આ કોલસો 10,000માં વેચી મારતા હતા અને કૌભાંડિયાઓને ટન દીઠ 5,000 મળતા હતા. અને ટ્રકમાંથી જેટલો કોલસો ચોરતા એટલો જ બીજો હલકો કોલસો ઉમેરીને ટ્રકને ભીલવાડા રવાના કરી દેતા હતા.
જો કે આ આખા કૌભાંડના માસ્ટર માઇન્ડ અને ભાજપ આગેવાન ચંદુભાઇ હુંબલના પુત્ર ભગીરથ હુંબલ અને રાજકોટના ચિરાગ દુદાણી છે અને તે હજુ પણ ફરાર છે,
આથી આ બન્ને ઝડપાઇ જાય પછી વધુ સનસનીખેજ ખુલાસા થશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે આ કેસમાં 11 શખ્સની ધરપકડ કરી લેવાઇ છે અને 8 આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયા છે.આ કિસ્સામાં ગાંધીધામના ગુપ્તા, રોકી અને દિલીપ કોણ છે અને તેનો શું શું રોલ છે તે જાણવા એસએમસીએ અલગ અલગ ટીમ બનાવીને તપાસ તેજ કરી છે.