રાજકોટના ત્રણ શખ્સોને 30 જીવતા કાર્ટિસ સાથે રાજસ્થાન પોલીસે પકડ્યા
રાજસ્થાનથી કાર્ટિસ ખરીદી રાજકોટ જઇ રહ્યાની શંકા
રાજસ્થાનના આબુ નજીક ટોલનાકા પાસે પોલીસે ગુજરાત પાસિંગની સ્કોર્પિયોને અટકાવી તલાશી લેતા તેમાંથી રાજકોટના 3 શખ્સ 30 જીવતા કાર્ટિસ સાથે મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. આબુ નજીક સિરોહી જિલ્લાના સ્વરૂૂપગંજ ટોલનાકા પાસેથી ગુરુવારે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી કાળા કલરની જીજે03-એનકે 6891 નંબરની સ્કોર્પિયોને રાજસ્થાન પોલીસે અટકાવી હતી.
પોલીસે વાહન અટકાવતાં જ સ્કોર્પિયોમાં બેઠેલા ત્રણ શખ્સ ગભરાઇ ગયા હતા જે શંકાસ્પદ લાગતાં રાજસ્થાન પોલીસે સ્કોર્પિયોની તલાશી શરૂૂ કરી હતી અને સ્કોર્પિયોના આગળના ડેશબોર્ડમાંથી 30 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. 30 કાર્ટિસ મળતાં પોલીસે સ્કોર્પિયોમાં બેઠેલા રાજકોટના ભગવતીપરામાં રહેતા રાજેશ પ્રભાત આહીર (ઉ.વ.40), મોરબી રોડ જકાતનાકા પાસેના જમના પાર્કમાં રહેતા મૂળ ભાડલાના મિહિર રમેશ શુક્લ (ઉ.વ.49) અને તેના પુત્ર હિરેન શુક્લ (ઉ.વ.25)ની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના ભીલવાડા તરફથી સ્કોર્પિયો આવી રહી હતી અને ગુજરાત તરફ જઇ રહી હતી. ત્રણેય શખ્સ રાજસ્થાનના કોઇ સ્થળેથી કાર્ટિસ ખરીદીને રાજકોટ જઇ રહ્યાની શંકા સેવાઇ રહી છે. પિસ્ટલની આ 30 કાર્ટિસ મળી છે ત્યારે પિસ્ટલ કોની છે?, તે લાઇસન્સવાળી છે કે ગેરકાયદે હથિયાર માટે લેવા ગયા હતા?, 30 કાર્ટિસનો કોઇ ચોક્કસ ગુનાહિત કૃત્ય માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂૂ કરી હતી.