લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો
ખંભાળિયા-સલાયાના બે મહિલા સહિત 8 પત્તાપ્રેમીઓ પકડાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા એક ખેડૂત શખ્સ ના રહેણાક મકાન પર જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જામનગર ખંભાળિયા,સલાયા અને લાલપુર પંથકમાંથી જુગાર રમવા માટે આવેલા બે મહિલા સહિતના આઠ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ દરોડા ની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો ગંભીરસિંહ કરણસિંહ જાડેજા નામનો ખેડૂત, કે જે પોતાના મકાનમાં જુગારધામ ચલાવી રહ્યો છે, અને તેના ઘરમાં જામનગર- લાલપુર- ખંભાળિયા- દ્વારકા સહિતના પતાપ્રેમીઓ જુગાર રમવા માટે આવે છે, જેમાં સ્ત્રીઓ પણ સામેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત 8 સ્ત્રી પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી એલસીબી ની ટુકડીએ મકાન માલિક ગંભીરસિંહ કરણસિંહ જાડેજા, ઉપરાંત જામનગર નજીક સિક્કા પાટીયા પાસે રહેતી સગુણાબેન પ્રવીણભાઈ ખાડેખા (ઉંમર વર્ષ 45), તેમજ જામનગરમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી મીનાબા ધીરુભા ચુડાસમા (37), ઉપરાંત ખંભાળિયા ના વતની બસીર અબ્બાસ ભાઈ વાઘેર, સલાયા ના વતની આબિદ ઈકબાલભાઈ બારૈયા, ખંભાળિયા ના રહેવાસી અમૂલ વસંતભાઈ પંચમતીયા, નાના આંબલા ગામના રહેવાસી મામદ આદમભાઈ સંધિ, તેમજ સલાયામાં રહેતા ઈકબાલ સીદિકભાઈ બારૈયા વગેરેની અટકાયત કરી લીધી છે.
પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 53.740 ની રોકડ રકમ, રૂૂપિયા 17,000ની કિંમતમાં સાત નંગ મોબાઈલ ફોન તેમ જ બે મોટર સાયકલ સહિત રૂૂપિયા 1,70,700 ની માલમતા કબજે કરી છે.