પીઠડિયા ટોલનાકે પોલીસ લખેલી કારના ચાલકો અને સ્ટાફ વચ્ચે બબાલ
ટોલનાકાના સ્ટાફે ગેરવર્તન કરતાં મામલો બિચકયો, ત્રણ કારમાં સવાર લોકો સામે માર માર્યાની અરજી બાદ સમાધાન
વારંવાર વિવાદમાં આવતું જેતપુર પાસેનું પીઠડીયા ટોલનાકુ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. ગઈકાલે સાંજે ધોરાજી તરફથી આવતી રાજકોટના પોલીસ પરિવારની કારને ટોલનાકેથી પસાર થવા બાબતે ટોલનાકાના કર્મચારીઓ સાથે માથાકુટ થતાં મામલો બીચકયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ મામલે તપાસ કરતાં ટોલનાકા સ્ટાફે પોલીસ પરિવાર સાથે ગેરવર્તન કરતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ટોલનાકાના કર્મચારીએ પોતાના ઉપર ત્રણ કારમાં આવેલા લોકોએ માર માર્યાની અરજી કર્યા બાદ સમાધાન થઈ જતાં અંતે ઘીના ઠામમાં ઘી પડયું હતું. પરંતુ આ વિડિયો સોશ્યલ મીડિયામાં જોરશોરથી ચાલી રહ્યો છે.
રાજકોટ સોમનાથ હાઈવે પર આવેલા જેતપુર નજીકના પીઠડીયા ટોલનાકે ગઈકાલે સાંજે ટોલ બુથ ઉપરથી પસાર થવા બાબતે ટોલ બુધના કર્મચારીઓ અને ત્રણ કાર ચાલકો વચ્ચે માથાકુટ થઈ હતી. જેમાં રાજકોટ પાર્સિંગની કાર નં.જીજે.3.એલ.બી.717 તેમજ એક નંબર પ્લેટ વગરની ક્રેટા અને અન્ય એક કાળા રંગની કાર નંબર જીજે 3 એમએચ 5129ને ટોલ ટેક્ષના બાજુના ફ્રી બુથ ઉપરથી પસાર થવા મામલે માથાકુટ થઈ હતી અને ત્યારબાદ આ ત્રણ કારમાં બેઠેલા લોકો નીચે ઉતર્યા હતાં અને ટોલ કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હોવાની જેતપુર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરનાર ટોલ કર્મચારીએ પોલીસની નંબર પ્લેટ લગાડેલી આ કારમાંથી ઉતરેલા લોકોએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. કારના નંબર અંગે તપાસ કરતાં આ કાર રાજકોટનાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા એક પરિવારની અને અન્ય કાર રાજકોટનાં પોલીસ વિભાગમાં નોકરી કરતાં કોન્સ્ટેબલ અને તેમના પરિવારની હોવાનું જાણવા મળ્યું હતું.
આ પોલીસ કોન્સ્ટેબલ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે ધોરાજીથી રાજકોટ આવતી વખતે પીઠડીયા ટોલનાકે આગળ એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની કાર ફ્રી ટોલ બુથ ઉપરથી પસાર થતી વેળાએ ટ્રાફીક જામ થતાં તેઓ નીચે ઉતર્યા હતાં અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી ફ્રી ટોલ બુથ ઉપરથી પસાર થવા માટે વાતચીત કરતાં ટોલ બુથના કર્મચારીએ ઉધ્ધાતાઈ ભર્યુ વર્તન કરતાં મામલો બીચકયો હતો અને આ ઘટનામાં ત્યાંથી પસાર થયા બાદ સાંજે ટોલ કર્મચારીએ અરજી કરી હતી. જો કે આ ટોલ બુથ પોલીસ કર્મચારીના નજીકના સંબંધીનું હોય આ મામલે સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.