આદીપુરમાં 7.60 લાખના હેરોઇન સાથે પંજાબના શખ્સની ધરપકડ
આદિપુરમાં જુમાપીર ફાટક નજીક ગ્રીન ઓર્ચિડ સોસાયટી પાસે પગપાળા આવતા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂૂા. 7,60,500નું હેરોઇન જપ્ત કર્યું હતું. આ શખ્સના દશ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આદિપુરમાં જુમાપીર ફાટક નજીક નવી બનતી ઓર્ચિડ સોસાયટીના લોખંડના મોટા ગેટની સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગળપાદર, અંજાર ધોરીમાર્ગ બાજુથી એક શખ્સ જુમાપીર ફાટક તરફ હેરોઇન લઇને પગપાળા આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. દરમ્યાન ધોરીમાર્ગ બાજુથી બેગ લઇને આવતો પંજાબ તરનતારનનો બલદેવસિંઘ થીરાસિંઘ નામનો શખ્સ દેખાતાં પોલીસે તેને કોર્ડન કરી લીધો હતો.
આ શખ્સની તલાશી લેવાતાં એક નાની બેગ (પાઉચ)માંથી કાળા રંગની પ્લાસ્ટિકની બે થેલી મળી આવી હતી. જેમાંથી ક્રીમ રંગના ગાંગડા જેવો પદાર્થ મળી આવ્યો જે ચિટ્ટા હોવાનું આ શખ્સે કહ્યું હતું. નવી બનતી ગ્રીન ઓર્ચિડ સોસાયટીના સેમ્પલ હાઉસમાં તેને લઇ જઇ ત્યાં એફએસએલ અધિકારીને બોલાવાયા હતા. અધિકારીએ પ્રાથમિક પૃથક્કરણ કરતાં આ માદક પદાર્થ હેરોઇન હોવાનું કારણ આપ્યું હતું. આ પકડાયેલા પંજાબના શખ્સ પાસેથી રૂૂા. 7,60,500નું 15.21 ગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું. બલદેવસિંઘ પાસેથી એક મોબાઇલ, ડિજિટલ વજનકાંટો, મોબાઇલ, ભટીન્ડાથી જોધપુરની રેલવે ટિકિટ, ડાયરી, ચિઠ્ઠી વગેરે હસ્તગત કરાયા હતા. આ શખ્સે પંજાબના બલરાજસિંઘ લાલસિંઘ પાસેથી આ માદક પદાર્થ મેળવ્યો હતો. બલદેવસિંઘ પાસેથી જપ્ત કરાયેલી ચિઠ્ઠીમાં બલરાજસિંઘની બેંકની વિગતો વગેરે લખેલા હતા.