વૈભવ માનવાણી હત્યા કેસમાં સાઇકો કિલર વિપુલ પરમાર ઠાર
ઘટના સ્થળે રિ-ક્ધસ્ટ્રકશન દરમિયાન પોલીસનું હથિયાર છીનવી ભાગ્યો, પોલીસ ઉપર ફાયરિંગ કરતા વળતા ગોળીબારમાં ઢેર
અમદાવાદમાં શુક્રવારની રાત્રે ગર્લફ્રેન્ડ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરતા યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ યુવતી ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો
ગાંધીનગર નજીક ગત શુક્રવારે મોડીરાત્રે સ્ત્રીમીત્ર સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરી રહેલા મોડેલ યુવક વૈભવ માનવાણીની હત્યા કરી યુવતી પર ખુની હુમલો કરનાર સાઇકો કિલર વિપુલ પરમારને ગઇકાલે ઘટના સ્થળે રિક્ધસ્ટ્રકશન દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.
રિક્ધસ્ટ્રકશન દરમિયાન આરોપી વિપુલ પરમારે પોલીસનું હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ભાગતા ભાગતા પોલીસ ઉપર ફાયરિંગ કરતા પોલીસે વળતો ગોળીબાર કરી તેનો ઢાળીયો કરી દીધો હતો.
ભારે ખળભળાટ મચાવનાર વૈભવ માનવાણીની હત્યાની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ ખાતેથી સાઇકો કિલર એવા વિપુલ ઉર્ફે નીલ પરમારને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આજે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને રિ-ક્ધસ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈને આવી હતી. આ દરમિયાન અચાનક આરોપીએ તેને લઈને આવેલા પોલીસ જવાનની પિસ્તોલ છીનવીને ઝાડીઓમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આથી પોલીસની ટીમ પણ તેની પાછળ દોડતા આરોપીએ ફાયરિંગ શરૂૂ કર્યું હતુ. જેથી પોલીસે પણ જવાબી ફાયરિંગ કરતાં આરોપી ઢળી પડ્યો હતો. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં કઈઇના કોન્સ્ટેબલને હાથમાં ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે એન્કાઉન્ટરમાં હત્યારા સાઈકો કિલરને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની જાણ થતાં મૃતક મોડલ વૈભવના મોટા મમ્મીએ પોલીસનો દિલથી આભાર માનતા જણાવ્યું કે, વૈભવ પોતાનો બર્થ ડે ઉજવવા ગયો હતો અને તેની પર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે અમારા પરિવારના તમામ સભ્યો ભાંગી પડ્યા છે. જો કે પોલીસ એન્કાઉન્ટરમાં હત્યારાનો સફાયો થઈ ગયો છે. જેથી અમને સંતોષ થયો છે. ભગવાને ઝડપથી ન્યાય કર્યો છે.
પાંચ દિવસ પહેલા શુક્રવારની રાત્રે અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા વૈભવ માનવાણી નામના યુવકનો બર્થ ડે હોવાથી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે રાતના સમયે અંબાપુર સ્થિત નર્મદા કેનાલના સર્વિસ રોડ પર કારમાં બેઠો હતો. આ સમયે અજાણ્યો ઈસમ તેમની નજીક આવ્યો હતો અને જે કંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી. આ સમયે વૈભવે પ્રતિકાર કરતાં આરોપીએ પોતાની પાસે રહેલી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં વૈભવ લોહીના ખાબોચિયામાં ત્યાંજ ફસડાઈ ગયો હતો. જ્યારે તેની ગર્લફ્રેન્ડ પણ છરી મારીને તેમના મોબાઈલ સહિતની મત્તાની લૂંટ ચલાવીને હત્યારો ફરાર થઈ ગયો હતો.
આવા ગુનેગારોનો અંજામ એન્કાઉન્ટર જ હોવો જોઇએ, હવે બીજા બાળકો સુરક્ષિત રહેશે
અમદાવાદમાં અડાલજ કેનાલ પર થયેલી હત્યાના આરોપી વિપુલનું પોલીસ એન્કાઉન્ટર થતાં મૃતક વૈભવના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. લગભગ 19 વર્ષ બાદ ગુજરાતમાં આવી ઘટના બની છે, જ્યાં આરોપીનું એન્કાઉન્ટર થયું હોય અને મૃતકના પરિવારને તુરંત ન્યાય મળ્યો હોય. વૈભવના પિતા શંકરજીએ જણાવ્યું કે, આજે અમને એ વાતનો સંતોષ છે કે અમારા જેવી હાલત હવે કોઈ અન્ય માતા-પિતાની નહીં થાય. જોકે, તેમણે ઉમેર્યું કે, અમે અમારી અનમોલ ચીજ (પુત્ર) ગુમાવી છે, તે હવે ક્યારેય પાછી નહીં મળે. ભલે કોઈનો એન્કાઉન્ટર થાય કે ફાંસી થાય, પણ અમારો પુત્ર પાછો નહીં આવે. બસ, બીજા કોઈનો પુત્ર ન જાય તે વાતનો અમને સંતોષ છે. વૈભવના પિતાએ ગુજરાત પોલીસનો આભાર માન્યો અને આવા ગુનેગારોનો અંજામ એન્કાઉન્ટર જ હોવો જોઈએ તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે, જો આવા સાયકો કિલરને ખુલ્લા છોડી દેવામાં આવે, તો દરેક માતા-પિતા માટે પોતાના બાળકને ઘરની બહાર મોકલવું મુશ્કેલ બની જશે. તેમણે ઉમેર્યું કે, આરોપી વિપુલ સામે અગાઉ પણ ઘણા કેસ હતા, છતાં તેને ખુલ્લો છોડી દેવાયો હતો, જે સમાજ અને બાળકો માટે મોટો ખતરો હતો. આ ઘટના તે જ સમયે થઈ જવી જોઈતી હતી, જ્યારે તેને જામીન મળ્યા હતા. વૈભવની માતાએ એન્કાઉન્ટરથી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું ખુશ છું કે ઘણા બાળકો સુરક્ષિત થઈ ગયા, પરંતુ મારા બાળકનું શું? જો તેને છોડવામાં ન આવ્યો હોત તો મારો પુત્ર આજે મારી સાથે હોત. તેમણે કાયદાકીય સિસ્ટમમાં બદલાવની માંગ કરી કે, જે વ્યક્તિ પહેલીવાર ગુનો કરે, તે જ તેનો છેલ્લો ગુનો હોવો જોઈએ. તેમણે જણાવ્યું કે, મારો પુત્ર એક ફાઇટર અને શક્તિશાળી વ્યક્તિ હતો, છતાં એકલો વ્યક્તિ આટલી નિર્દયતાથી તેની હત્યા કરી શકે નહીં, જે દર્શાવે છે કે આરોપી ખૂબ જ માનસિક રીતે બીમાર હતો. વૈભવની માતાએ ઉમેર્યું કે, આજ ચાર દિવસમાં મને જે ન્યાય મળ્યો તેનો હું આભાર માનું છું, પરંતુ મારા જીવનભર થયેલા અન્યાયનો ન્યાય કોણ આપશે? અમારો આખો પરિવાર તેના વિના ખતમ થઈ ગયો છે. અમારા ઘરમાં હવે ક્યારેય નવરાત્રી કે કોઈ ઉત્સવ નહીં ઉજવાય.