જૂનાગઢમાં છેતરપિંડીના કેસની તપાસમાં બેદરકારી બદલ PSI અને ડ્રાઇવર સસ્પેન્ડ
છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી બદલ એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ એન સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો હતો. અધિકારી, કર્મી સામેના પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગત જુલાઇ મહિનામાં રૂૂપિયા 57 લાખની છેતરપિંડીની ફરિયાદ 4 શખ્સ સામે થઈ હતી
. તે સમયના મહિલા પીએસઆઇ એસ. એન. સોનારાએ 2 મહિલા સહિત 3ની અટક કરી હતી. પરંતુ એક મહિલાએ તેને ખોટી રીતે પકડી પરેશાન કરવામાં આવી હોવાની રજૂઆત વડાપ્રધાન કાર્યાલયને કરી હતી. જેના પગલે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.સમગ્ર મામલાની તપાસ એસપી સુબોધ ઓડેદરાએ વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારને સોંપી હતી.
સીસીટીવી ફૂટેજ વગેરે મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીએસઆઇ એસ એન સોનારાએ ઉપરી અધિકારીની મંજૂરી વગર મહિલાને 2 થી 3 દિવસ ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું તેમજ મુદ્દામાલની ઓછી રિકવરી કરી હોવાનું તથા સરકારી વાહન સહિતના સાધનોનો દૂરુપયોગ કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.
મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના તપાસ રિપોર્ટ આધારે એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડા ના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા, ડ્રાઇવર દિનેશ લખમણ ભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકી દેવાયા મહિલા પીએસઆઇ એસ. એન. સોનારાની મેંદરડાથી વિસાવદર ખાતે બદલી કરવામાં આવી હતી અને બાદમાં લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઈવર દિનેશ લખમણભાઇ બંધીયાની પોલીસ એમટી વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે સસ્પેન્શન બાદ બંનેને જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકી દેવાયા હતા.
