ગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઇ દેવળીયા ગામના વતની ધનજીભાઈ લખમણભાઇ ગજરોતર (60 વર્ષ) કે જે ગાંજાના વ્યસની હતા, અને ભાણવડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં 13 દિવસ પહેલા જામનગરની જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
જે કેદી ને ગાંજાનું ખૂબ જ વ્યસન હતું, અને ગાંજા વગર જીવી શકતા ન હોય, અને ગાંજાની તલપના કારણે તેના શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. અને તબિયત લથડી હતી. જેથી તેઓ અચાનક જેલમાં બેભાન થઈ જતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ જી.જી. હોસ્પિટલ ની પ્રિઝનર કેબિનમાં દોડી ગયા હતા, અને મૃતક કેદી નો કબજો સંભાળી જામનગરની સરકારી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે સમગ્ર પોસ્ટમોટમની કાર્યવાહીની વિડીયોગ્રાફી વગેરે કરવામાં આવી હતી.