પોરબંદરના યુવકને હનીટ્રેપમાં ફસાવતા આપઘાત કર્યાનું ખુલ્યું, હની સહિત બે ઝડપાયા
પોરબંદરનાં છાયા વિસ્તારમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાર્ગવ ચામડિયાને મરવા મજબૂર કરનાર મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસની તપાસમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. આરોપી દયા રાઠોડ નામની મહિલાએ મૃતકને વિસાવદર બોલાવ્યો હતો અને કઢંગી હાલતમાં વીડિયો બનાવી મૃતક પાસે રૂૂપિયાની માગણી કરી હતી.
આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરનાં છાયા વિસ્તારમાં ભાર્ગવ ચામડિયા નામના યુવકે 8 ઓગસ્ટના રોજ આપઘાત કર્યો હતો. મૃતક ભાર્ગવ ચામડિયા સામે એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ ભાર્ગવે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ કેસની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. કમલાબાગ પોલીસની તપાસમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. જે બાદ પોલીસે આરોપી દયા રાઠોડ અને ડાયા જાદવની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ અનુસાર, આરોપી દયા રાઠોડે મૃતક ભાર્ગવને વિસાવદર બોલાવી કઢંગી હાલતમાં વીડિયો બનાવી મૃતક પાસે રૂૂપિયાની માગણી કરી હતી. આરોપી દયાબેને કવાતરૂૂં કઢી વીડિયો ઉતારાવી મૃતક ભાર્ગવ ચામડિયા પાસે રૂૂ.70 લાખ, એક મકાન અને દીકરીનાં નામે FD કરવાની માગ કરી હતી અને ધમકી આપી હતી. જો કે, માંગણી મુજબ મૃતકે રકમ ના આપતા દયાબેને વિસાવદરનાં પોલીસ સ્ટેશનમાં મૃતક ભાર્ગવ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે, કમલાબાગ પોલીસની તપાસ દરમિયાન હનીટ્રેપનો મામલો સામે આવતા આરોપી દયા રાઠોડ, ડાયાભાઇ જાદવની ધરપકડ કરી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.