રાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ
રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એસઓજીની ટીમે 100 રૂપિયાની 17 જાલી નોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ કરી હતી. પકડાયેલ પત્રકાર અગાઉ પણ જાલી નોટ રાજકોટમાં વટાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એસઓજીએ તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ, રાજકોટનાં ગાંધી મ્યુઝીયમ નજીક એક શખ્સ જાલી નોટ સાથે હોવાની બાતમીના આધારે એસઓજીનાં પીઆઈ એન.વી.હરિયાણી અને તેમની ટીમે તપાસ કરી પોરબંદરનાં વાડી પ્લોટ શેરી નં.5માં રહેતા પત્રકાર હિતેશ કનુભાઈ દાવડા (ઉ.61)ની ધરપકડ કરી તેની પાસેથી 100 રૂપિયા વાળી 17 જાલી નોટ સહિત રૂા.6480નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજીએ પુછપરછ કરતાં હિતેશ દાવડા અગાઉ પણ રાજકોટમાં જાલી નોટ વટાવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ જાલી નોટ તેણે કોની પાસેથી ખરીદી તે બાબતે ખરાઈ કરતાં એક શખ્સનું નામ આપ્યું હતું. જો કે ત્યાં તપાસ કરતાં હિતેશે પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટુ નામ સરનામુ આપ્યું હોવાનું ખુલ્યું હતું. હિતેશ દાવડાની રિમાન્ડ મેળવવા વિશેષ પુછપરછ માટે તજવીજ હાથ ધરાઈ છે.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીનાં પીઆઈ એસ. એમ.જાડેજા, એન.વી.હરીયાણી, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, એએસઆઈ વીરેન્દ્રસિંહ ઝાલા, અરૂણભાઈ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, મૌલીકભાઈ સાવલીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, અનોપસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા તથા મહિલા કોન્સ્ટેબલ મોનાબેન બુસા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.