દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પોપટપરાની પરિણીતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
મૃતદેહ વતનમાં લઇ જવાને બદલે માવતરની ગેરહાજરીમાં રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડા કર્યા
ઉતરપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી પ્ર.નગર પોલીસને એફઆરઆઇ મોકલી
રાજકોટ શહેરના પોપટ પરામાં રહેતી પરિણીતાએ છ મહિના પહેલા ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનામાં તેમના સાસરિયાંઓ દ્વારા જ અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી આ ઘટનામાં મૃતકના માવતર દ્વારા ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાસરિયાઓ વિરુદ્ધ આપઘાતની ફરજ અને માવતરની ગેરહાજરીમાં જ પરિણીતાના અંતિમ સંસ્કાર કરી પુરાવા સાથે ચેડાં કર્યાની ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પ્ર. નગર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં કવર્ષિમાં રહેતા હરીશચંદ્ર નંદરામ(ઉ.45)એ તેમની દીકરીના સાસરિયા પતિ જીતુ કિશનલાલ,સંજય કિશનલાલ અને કિશનલાલા(રહે.બધા કરારી, સુરીર, મથુરા ઉત્તરપ્રદેશ)વિરુદ્ધ આપઘાતની ફરજ અને દીકરીને ત્રાસ આપવા અંગેની તેમજ પુરાવા સાથે ચેડાં કરવા અંગેની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.હરીશચંદ્રએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે રાજકોટના પોપટ પરામાં રહેતી દીકરી વંદના જીતુ કિશનલાલનું તા.1-11-2024ના રોજ ઝેરી દવા પીવાથી મોત થયું હતું.આ ઘટનામાં મૃતકના સાસરિયાઓ એ યુપી રહેતા માવતરને જાણ કરતા માવતરે મૃતદેહ ગામડે વતન લાવવાનું કહેતા સાસરિયાઓએ રાજકોટમાં જ અંતિમ વિધી કરી પુરાવા સાથે ચેડાં કર્યા હતા.
દીકરીના લગ્ન ગઈ તા.10-5-2024ના રોજ રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.પુત્રી જ્યારે માવતરે આવી ત્યારે તેમણે પિતાને વાત કરી હતી કે દહેજ ભૂખ્યા સાસરિયાઓ કહેતા હતા કે તું ભૂખની બારસ છો તારા બાપે હેસિયત મુજબનો દહેજ આપ્યો નથી જેના કારણે અમારે સમાજમાં નીચું જોવાનું થાય છે.પુત્રીનું ઘરસંસાર બગડે નહિ માટે પુત્રી બધું સહન કરતી હતી.પતિની હરકતોમાં કોઈ સુધારો થયો નહોતો અને તેઓ પણ ત્રાસ આપતા હતા.આ મામલે અગાઉ પણ ઉત્તરપ્રદેશના સુરી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.પતિ અને સાસુ સસરા અને જેઠ અને અન્ય સંબંધીઓએ પૈસાના જોરે આમાં કોઈ કાર્યવાહી થવા દીધી નહોતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ પુત્રીની હત્યા કરી નાખીને ઘટનાને અંજામ આપ્યો હતો.ત્યારબાદ મૃતકના પરિવારજનો ન્યાય માટે આમતેમ ભટકતા હતા અને નવા કાયદા મુજબ અલીગઢના પોલીસમાં મૃતકના સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસમાં ગુનો નોંધ્યો હતો અને ત્યાંથી ઝીરો નંબરમાં નોંધાયેલી ફરિયાદ રાજકોટના પ્ર. નગર પોલીસમાં મોકલવામાં આવતા હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.