ભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવી
કાળિયા બીડ પાસે મિત્ર સાથે રેસ લગાવી પાંચ લોકોને ઉલાળતા બેના મોત
ભાવનગર માં શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં હતા. આ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે. હિટ એન્ડ રનના આ બનાવ અંગે પોલીસે આરોપી પોલીસ પુત્રની અટકાયત કરી છે. પોલીસ પુત્ર અને તેના મિત્રએ કારની રેસ લગાવી હતી. જેમાં પોલીસ પુત્રએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા મહીલા સહીત ત્રણને ઠોકરે ચડાવ્યા હતા.
હિટ એન્ડ રમના આ બનાવની ભાવનગર વિગત એવી છે કે ભાવનગર શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે ગઈ કાલે સાંજે બેકાબુ થયેલી જીજે-14-એપી-9614 નંબરની કારે કુલ પાંચ લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી (ઉ.વ.33, રહે.અક્ષરપાર્ક,કાળિયાબીડ) અને ચંપાબેન પરશોત્તમભાઈ વાસાણી (ઉ.વ.65, રહે.કાળિયાબીડ)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમનેે સર ટી. અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સમયે હાજર રહેલા લોકોમાં નાસ ભાગ સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ બનાવમાં કાર ચલાવનાર હર્ષરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ (ઉ.વ.20) ની પોલીસે અટકાયત કરી છે. રેસ લગાવવાના શોખમાં નબરાએ બે નિર્દોષ લોકોના જીવ લીધા હતા અને સાઇડમાં પાર્ક અનેક વાહનોને પણ હડફેટે લીધા હતા. તે ભાવનગર એલસીબી પોલીસમાં ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ વજુભા ગોહિલનો પુત્ર હોવાનું જાણવા મળેલ છે. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે એલસીબીમાં ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહનો પુત્ર હર્ષરાજ અવારનવાર પુરપાટ ઝડપે કાર ચલાવતો હોય અને તે મિત્રો સાથે કારની રેસ લગાવતો હતો. ફિલ્મી સ્ટાઇલથી પુરપાટ સ્પીડે કાર ચલાવવાના શોખીન પોલીસ પુત્ર હર્ષરાજે પોતાના શોખ માટે બે નિર્દોષની જિંદગી છીનવી લીધી હતી.