દંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ
વાંકાનેરના વઘાસિયા ગામે ખેતીની જમીનમાં જેસીબી ચલાવવા જેવી બાબતે બઘડાટી બોલાવી’તી
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ખેતીની જમીનના જેસીબી ચલાવવા જેવી નજીવી બાબતે દંપતી ઉપર ઘાતક હુમલો અને લૂંટ ચલાવવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે પોલીસમેન અને તેના પુત્ર સહિત ત્રણ શખ્સોને સાત વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે એકને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસની હકીકત મુજબ મુંબઈ રહેતા અને વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામેના ખેડૂત પ્રમોદભાઈ ઉદયભાઇ રાઠોડ અને તેની પત્ની મુનાલીબેન ઉપર પોલીસ મેન વનરાજસિંહ માલુભા ઝાલા, તેના પુત્ર કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા અને અતુલ જેઠાભાઈ ભટ્ટએ ધોકા અને લોખંડના સળિયાથી હુમલો કરી મોબાઈલ સહિતની લૂંટ ચલાવ્યા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત શખ્સો ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં ફરિયાદી પ્રમોદભાઈ રાઠોડની વઘાસીયા ગામે આવેલી વાડીમાં ઉપરોક્ત આરોપીઓ જેસીબી ચલાવતા હોય જે અંગે બંને વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરી લૂંટ ચલાવ્યા જણાવ્યું હતું.
બાદ તપાસ પૂર્ણ ચારેય શખ્સો સામે અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી. બાદ વાંકાનેરની અદાલતમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ ફરીયાદી પક્ષ તરફે મહિલા સરકારી વકીલ એ.એન. પટેલ ધ્વારા 18 સાહેદોને તથા દસ્તાવેજી પુરાવા રજુ કરી તેમજ મહિલા સરકારી વકીલએ આરોપીઓને સખત સજા કરવા રજુઆત કરવામાં આવેલી.આ કામમાં મુળ ફરીયાદીના એડવોકેટ દરજજે યોગેશ આર. બારોટ ધ્વારા ફરીયાદ પક્ષના સમર્થનમાં કરી આરોપીઓને સજા કરવા માટે લેખીતમાં રજુઆત કરેલ.
ફરીયાદીએ આરોપીઓને કોર્ટ સમક્ષ પણ ઓળખી બતાવેલ છે. ફરીયાદને સમર્થન કરતો પુરાવો રેકર્ડ ઉપર જોવા મળે છે. અદાલતે કાયદાકીય પરીસ્થિતીને લક્ષમાં લઈ ચોરી કયારે લુંટ ગણાય તેની વિસ્તૃત કાયદાકીય ચર્ચા કરી આરોપી ધનશ્યામસિંહ લખુભા ઝાલા સામે લુંટનો ગુન્હો કરેલ હોવાનું નિ:શંકપણે ફરીયાદ પક્ષે પુરવાર કરેલ છે.
વાંકાનેરના એડી. ચીફ જયુડી. મેજી. વિરેન્દ્રસિંહ શનાભાઈ ઠાકોર ધ્વારા આરોપી ઘનશ્યામસિંહ લખુભા ઝાલા ,પોલીસ કર્મચારી વનરાજસિંહ માલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા સામે ગુન્હો સાબીત માની સાત વર્ષની સજા અને દરેકને રૂૂા.5,000નો દંડ ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલો છે. જ્યારે અનુલભાઈ જેઠાભાઈ ભટ્ટ નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મહિલા એ.પી.પી. એ.એન. પટેલ અને મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ દરજજે લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરૂૂંગ, નિશાંત જોષી તથા મદદમાં વિક્રમ નાડાર રોકાયેલ હતા.