કારખાનેદારને છરી બતાવી 2.62 લાખની લૂંટ ચલાવનારને પકડવા પોલીસની ટીમો બનાવી
રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં ગઈકાલે ધોળા દિવસે એક્ટિવા પર આવેલા શખ્સે કારખાનેદારને છરી બતાવી રૂૂા. 2.62 લાખની લૂંટ ચલાવી હતી. વધુ વિગતો મુજબ,મવડીના 80 ફૂટ રોડ પર રહેતા હરેશભાઈ ધીરજલાલ રાદડિયા (ઉ.વ.40) માલધારી ફાટક પાસે વરૂૂ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધરતી મેન્યુફેકચરિંગના નામથી ઘરઘંટીનું કારખાનુ ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે સવારે 8.30 વાગ્યે ઘરેથી રૂૂા. 2 લાખ લઇ કારખાને પહોંચ્યા હતાં. જ્યાંથી ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં આવેલ શ્યામ આંગડિયામાંથી રૂૂા. પ0 હજાર લીધા હતા. આ રીતે રૂૂા. અઢી લાખ અટીકા ફાટક પાસે આવેલા શીતલ ઇલેક્ટ્રીક નામની પેઢી ધરાવતા વેપારીને આપવા બાઈક પર રવાના થયા હતાં.
નાગરિક બેન્ક ચોક પાસે ગઈકાલ સવારે ગ્રે કલરના એક્ટિવા ચાલકે તેના બાઈક સાથે એકસીડેન્ટ કરી સાઈડમાં ઉભા રહેવાનું કહેતા તે ઢેબર રોડ પર પહોંચી ઉભા રહ્યા હતાં. તે સાથે જ એક્ટિવા ચાલકે કહ્યું કે મારા વાહનમાં નુકસાનીના રૂૂા. બે હજાર આપવા પડશે. તેણે હા પાડતા પૈસા લીધા ન હતા અને કહ્યું કે મારા શેઠ સંજયભાઈને પૈસા આપવાના છે, અહીંથી થોડે આગળ ચાલો.જેથી તેના એક્ટિવા પાછળ બેસી ગયા હતાં. સોરઠીયાવાડી સર્કલ પહેલા શેઠ હાઈસ્કૂલ નજીકનાં વોકળાવાળી શેરીમાં એક્ટિવા ચાલકે લઈ જઈ બે-ત્રણ ચકકર માર્યા બાદ આજુબાજુ જોઈ ભક્તિનગર સોસાયટી શેરી નં. 6/8ના ખૂણે આવેલા સત્યાર્થ પ્રકાશ કોમ્પ્લેક્સમાં લઈ ગયો હતો. જ્યાં પાર્કિંગની સીડી પાસે તેને ઉભા રાખી તેની સામે જ ઉભો રહી કહ્યું કે હવે પૈસા આપી દે. જેથી તેણે શર્ટના ખીસ્સામાંથી રૂૂા. બે હજાર કાઢી આપતા જ છરી કાઢી બધા ખીસ્સા ચેક કરવા દે નહીંતર આ છરી મારતા વાર નહીં લાગે તેમ કહી તેના પેન્ટના ખીસ્સામાંથી રૂૂા. અઢી લાખ અને પાછળના ખીસ્સામાંથી રૂૂા. 10 હજાર કાઢી લીધા હતાં.
આ રીતે રૂૂા. 2.62 લાખની લૂંટ ચલાવી એક્ટિવા ઉપર ભાગી ગયો હતો. બાદમાં તેણે મિત્રોને જાણ કર્યા બાદ ભક્તિનગર પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. તે સાથે જ તેનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સીસીટીવી કેમેરાના આધારે પોલીસની ટીમોએ એક્ટિવા ચાલકની ઓળખ મેળવી ઝડપી લેવા ભક્તિનગર અને ક્રાઇમબ્રાન્ચે તજવીજ શરૂૂ કરી છે.