કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસ
ભુજ ભાગ્યા બાદ પરત આવી ફરીથી રાજકોટ છોડીને ભાગે તે પહેલાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધો, કોમ્પ્લેક્સની સીડી પાસે બેસવા જેવી સામાન્ય માથાકુટમાં લોથ ઢાળી દીધી
શહેરના કોઠારીયા મેઈન રોડ પર ખોડિયાર ટી સ્ટોલ પાસે શનિવારે કારખાનેદાર યુવાનની હત્યા કરનાર ફાઈનાન્સર રાજકોટ મૂકીને ભાગી જાય તે પૂર્વે જ ભક્તિનગર પોલીસે ઝડપી લીધો હતો.
શહેરના કોઠારિયા રોડ પરની ગીતાંજલિ સોસાયટીમાં રહેતો અને કોઠારિયા રોડ પર રામનગરમાં કારખાનું ધરાવતો હાર્મિસ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.27) અને તેનો મોટોભાઇ રાધિક ગજેરા (ઉ.વ.30) શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે નીલકંઠ સિનેમા પાસે ખોડિયાર ટી સ્ટોલ દુકાને બેઠા હતા ત્યારે નજીકમાં જ ફાઇનાન્સની ઓફિસ ધરાવતો દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી છરી લઇને ધસી આવ્યો હતો.
દોલતસિંહને જોતા જ બંનેભાઇઓ ભાગ્યા હતા,જેમાં હાર્મિસ હાથમાં આવી જતા દોલતસિંહે તેને છરીના બે ઘા ઝીંકીદીધા હતા અને હુમલાખોર દોલતસિંહ સ્કૂટરમાં ત્યાંથી નાસી ગયો હતો. ઝનૂન પૂર્વક છરીના ઘા ઝીંકાતા હાર્મિસ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો હાર્મિસને તેના મોટાભાઇ રાધિકે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ હાર્મિસનું મોત નીપજ્યું હતું. આ મામલે રાધિકની ફરિયાદને આધારે પોલીસે રણુંજાનગર શેરી નં.9માં રહેતા અને ફાઇનાન્સની ઓફિસ ધરાવતો દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. મૃતકનો ભાઈ રાધીક (ઉ.વ.30) મિકેનીકલ એન્જીનિયર છે.
તેણે પોલીસને જણાવ્યું કે તે અને તેનો ભાઈ ઉપરાંત મિત્રો ખોડિયાર ટી સ્ટોલે બેઠક ધરાવે છે. જેની ઉપર જ આરોપીની ઓફિસ છે. જેથી તે કોમ્પલેક્ષની સીડી પાસે પાંચેક દિવસ પહેલા તે અને તેનો ભાઈ બેઠા હતા હાર્મિસ સાથે ઝઘડો કરી, ગાળો ભાંડી હતી. બનાવની રાતે પણ હાર્મિસ સાથે ત્યાં બેઠો હતો ત્યારે દોલતસિંહે કોમ્પલેક્ષમાંથી નીચે ઉતરી તેની સાથે ઝઘડો કર્યો હતો. આરોપી છરી લઈ ઘસી આવ્યો હતો. હત્યાનો ભોગ બનનાર હાર્મિસના ચાર વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ માનસી છે. સંતાનમાં બે વર્ષની પુત્રી છે.
જે હવે પિતા વિહોણી બની ગઈ છે. જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું
હત્યા કરી ભાગી ગયેલા આરોપી ફાઈનાન્સર દોલતસિંહ ઉર્ફે દોલુ ભાવસિંહ સોલંકીને પકડવા માટે પોલીસની નવ ટીમો કામે લગાડવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની ચાર, એસઓજીની એક ઉપરાંત એલસીબી ઝોન-1ની એક અને ભક્તિનગર પોલીસની ટીમે ઠેર ઠેર દરોડા પડ્યા હતા. દોલતસિંહ રાજકોટ મૂકીને ભાગે તે પૂર્વે ભક્તિનગર પોલીસને તેને પકડવામાં સફળતા મળી હતી. દોલતસિંહને ગોંડલ રોડ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારની સુચનાથી એસીપી બી.વી.જાધવના માર્ગદશન હેઠળ ભક્તિનગરના પી.આઈ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઈ એમ.એન. વસાવા , સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
દોલુ સામે 10 વર્ષમાં હત્યાની કોશિશના ત્રણ સહિત 15 ગુના
નિર્દોશ કારખાનેદાર હારમીશ ગજેરાની હત્યા કરનાર ફાયનાન્સર દોલતસિંહ ઉર્ફે દોલુને ગણતરીની કલાકોમાં ભકિતનગર પોલીસે ઝડપી લઇ તેની ખો બોલાવી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઝડપાયેલ ફાયનાન્સર દોલુ સામે હત્યાની કોશિશના ત્રણ અને દારૂૂ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. દોલુ સામે વર્ષ 2004થી લઇ 2024 સુધીમાં તેના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા બે ભકિતનગર પોલીસ મથકમાં હત્યાની કોશિશના ત્રણ ઉપરાંત મારા મારી તથા દારૂ અને સુરત પોલીસમાં દહેજ ધારાનો ગુનો નોંધાયેલો છે. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા દોલું સામે પોલીસે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.