મુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મ
પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો
મુળ રાજુલા તાલુકાના મોભીયાણા ગામની અને હાલમાં સુરતમાં રહેતી એક પરિણિતા સાથે ડુંગર પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ તપાસના બહાને પરિચય કેળવી તેના પર દુષ્કર્મ આચરી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવ અંગે રાજુલાના મોટા મોભિયાણા ગામની 39 વર્ષિય પરિણિતાએ 5 વર્ષ પહેલા ડુંગર પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમ ડાભી નામના પોલીસકર્મી સામે આ બારામાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે સમયે વિક્રમ ડાભી મોભિયાણા ગામે તેના ઘરે તપાસના કામે આવ્યો ત્યારે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. બાદમાં આ શખ્સે તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ મહિલા સુરત ખાતે તેના પતિ સાથે રહેવા જતા વિક્રમ ડાભીએ ત્યા જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું અને પરણિતાને મુઢ માર મારી ઈજા પહોંચાડી હતી. તેઓ મહુવા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યા પણ આ શખ્સે બળજબરી આચરી હતી. ડુંગર પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાતા પીઆઈ પી.વી.પલાસ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.