અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લેનાર આરોપી ઉપર પોલીસનું ફાયરિંગ
અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ તેને પોલીસ મથકે લઈ જતાં ક્રાઈમ બ્રાંચના પીઆઈની સરકારી રીવોલ્વર ઝુંટવી આરોપી ભાગવા જતાં પોલીસે સ્વ બચાવમાં ફાયરીંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ મામલે પકડાયેલ શખ્સ સામે પોલીસ ઉપર હુમલો અને હત્યાના પ્રયાસાને ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના રામોલ વિસ્તારમાં સંગ્રામસિંહ નામના આરોપીએ તેના સાગરિતો દ્વારા વટવાના જમીન દલાલનું અપહરણ કરી 52 લાખની ખંડણી વસૂલી હતી. ખંડણીની રકમ લઈને તે ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસે આરોપી સંગ્રામસિંહની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી.
ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચની ટીમ આરોપીની કસ્ટડી માટે રામોલ પોલીસ સ્ટેશનમા ગઈ હતી. તેને ત્યાંથી ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસની ગાડીમાં જ આરોપીએ ક્રાઈમ બ્રાંચના પીઆઈની રીવોલ્વર ઝૂંટવી લીધી હતી.
પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતાં અન્ય એક અધિકારીએ પોતાની રિવોલ્વરથી આરોપીના પગમાં ફાયર કર્યું હતું.ગોળી વાગતાં જ આરોપી ઈજા થતાં ઢળી પડ્યો હતો. તેને પોલીસના બંદોબસ્ત વચ્ચે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપી સામે નવથી વધુ ગુના નોંધાયા છે. આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવશે.આરોપી હત્યાના અનેક બનાવોમાં સંડોવાયેલો છે.