આનંદનગરમાં આતંક મચાવનાર નામચીન શખ્સ વિરુદ્ધ અંતે ગુનો નોંધતી પોલીસ
શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદરનગરના કવાર્ટરમાં થોડા દિવસો પહેલા આંતક મચાવનાર નામચીન ટીકીટ બંધુ અને તેમની ટોળકી દ્વારા પત્રકારને અને ત્યાંના રહીશોને ધમકાવવા મામલે અનેકવાર સ્થાનિક પોલીસને રજુઆત ર્ક્યા બાદ પણ ફરિયાદ નોંધવામાં ન આવતા પોલીસ કમિશનરને ગઇકાલે રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ અંતે ભક્તિનગર પોલીસે નામચીન શખ્સ વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને સંકજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
આનંદનગરના ક્વાર્ટરમાં રહેતા પત્રકાર અશોકભાઇ મુળુભા ગઢવીએ નામચીન શખ્સ કાનો ઉર્ફે ટીકીટ (રહે.આનંદનગર કોલોની એપાર્ટમેન્ટ નં.04)વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાવી છે. આ મામલે પી.એસ.આઇ. પી.એસ.ગોહીલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી છે. અશોકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ જ્યાં રહે છે ત્યાં સોસાયટીમાં 2000 મકાન આવેલા છે અને અંદાજિત 10000 લોકોની વસતી છે. ત્યાં અવાર નવાર માથાકુટ કરતો કાનો ઉર્ફે ટીકીટ પણ ત્યાં જ પોતાનું રહેઠાંણ ધરાવે છે. કાનો અવાર નવાર પોતાનું બુલેટ લઇ મોડી રાત્રે વિસ્તારમાં લઇ સાઇલેન્શરમાંથી મોટા અવાજ કરતો હોય જેથી મોડી રાત્રે લોકોને ખલેલ પહોંચતી હોય તેમજ લોકો તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા ડરતા હતા.
ત્યાર બાદ ગઇ તા.30ના રોજ રાત્રીના અગ્યાર વાગ્યે અશોકભાઇ તેમજ તેમના પાડોશીઓ ત્યાં સોસાયટીમાં એપાર્ટમેન્ટ નીચે ખુરશી રાખીને બેઠા હતા. ત્યારે કાનો ઉર્ફે ટીકીટ આવ્યો અને અશોકભાઇના ખંભે હાથ રાખી કહ્યુ કે, આ મીટિંગ શું ભરીને બેઠા છો? મારા વિરુદ્ધ કોઇ ફરિયાદ કરશો તો, હું તમારું છરાથી ગળુ કાપી નાખીશ. તેમ કહીં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી જતો રહ્યો હતો.
આ મામલે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીને સંકજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનો ઉર્ફે ટીકીટ અગાઉ દારૂ, મારામારી, ખુની હુમલા સહિતના ડઝનેક ગુનામાં સંડોવાઇ ચૂક્યો છે. તેમજ પોતે બાબરીયા કોલોનીમાં પણ પોતાની ધાક જમાવી દેશી દારૂનો ધંધો કરતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.