જૂનાગઢમાં આરોપીને પકડવા લગ્ન પ્રસંગમાં ગયેલી પોલીસ પર હુમલો
જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ અને તેમની ટીમ પર હુમલો કર્યો છે.
પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં નાસતા-ફરતા આરોપી લખન મેરુ ચાવડાને પકડવા ગયેલી પોલીસ ટીમ પર લખન અને તેના સાગરિતોએ હુમલો કર્યો હતો.
ગત રાત્રીના 11,વાગ્યે પોલીસ ટીમે હુણ પરિવારના લગ્ન પ્રસંગમાં હાજર લખન મેરુને પકડવા માટે ફાર્મને ચારે તરફથી ઘેરી લીધું હતું.
અને ટીમ લીડર પીઆઇ વત્સલ સાવજે જ્યારે લખન મેરુને સ્ટેજની પાછળથી પકડ્યો, ત્યારે તે ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ સમયે લગ્ન પ્રસંગમાં હાજર આઠ જેટલા શખ્સોએ પોલીસ ટીમને ઘેરી લીધી હતી અને લખનને છોડવાની માગ કરી હતી.
આરોપીઓએ પીઆઇ વત્સલ સાવજ અને પોલીસની ટીમ સાથે ઝપાઝપી કરી, ઢીકાપાટુનો માર મારી નીચે પાડી દીધા હતા. હુમલામાં પીઆઇ વત્સલ સાવજના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. આ અથડામણ દરમિયાન લખન મેરુ અને તેના સાગરિતો ફરાર થવામાં સફળ રહ્યા હતા આ બનાવને પગલે જૂનાગઢના તાલુકા પોલીસ મથક ખાતે લખન મેરુ ચાવડા અને અન્ય 8,જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.