રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી
ભગવતીપરાના જયનંદન સોસાયટીમાં બનાવ; સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટ શહેરમાં સાતમ-આઠમના તહેવાર પૂરા થયા બાદ પણ ચોરીના ઘટનાઓ સામે આવી રહી છે. થોડાક દિવસો પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચડીધારી ગેંગ દ્વારા અનેક કારખાનાઓને નિશાન બનાવી ચોરી કરી હતી.
આ ટોળકી હજુ પોલીસ પકડથી દુર છે. તેવામાં રાજકોટ શહેરમાં જાણે પોલીસ પણ અસલામત હોય તેમ ગઇકાલે ભગવતીપરા મેઇન રોડ પર આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા પોલીસ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત અડધા લાખની મતા ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, ભગવતીપરા શેરી નં.22માં આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા ગીતાબેન જયેશભાઇ રાઠોડ નામના મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓના પતિ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. ગઇ તા.6/9ના રોજ સાંજના સમયે પોતે પોતાના ઘરને તાળુ મારી કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરા શેરી નં.2માં રહેતા તેમના સાસુ-સસરાને ત્યાં ગયા હતા. ત્યાં પતિ અને બન્ને સંતાનો એમ બધા ત્યાં જ રોકાયા હતા. ત્યાર બાદ તા.8ના રોજ ગીતાબેન તેમજ તેમના દિકરી ઘરે આવી ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરતા ઘરમાં રહેલા મુખ્ય દરવાજાનું તોળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અંદર રૂમમાં રહેલો સામાન વેર-વિખેર હાલતમાં હતો.
ત્યાર બાદ તે ચોરીમાં જોતા તેમા રહેલી સોનાની પેન્ડલ, સોનાની બુટી, રૂ.40,400, ચાંદીની બંગડી બે નંગ, રોકડા રૂપિયા 5 હજાર તે ચોરીમાં જોવામાં આવ્યા નહીં.
આ ઘટના અંગે તુંરત ગીતાબેને તેમના પતિ જયેશભાઇ તેમજ તેમના પિતા ઉકાભાઇ પરમારને જાણ કરી હતી. ત્યાર બાદ પિતાજી પાસેથી બીલ સાથે રાખી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવી હતી. ચોરીની ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તેમજ આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ શંકાની આધારે તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.