મુળીલા ગામમાં આવેલી રાજકોટના ઉદ્યોગકારની જમીન પચાવી પાડવાનો કારસો
મછલીવડના બે ભાઈઓએ જમીન પચાવી પાડી તેમાં વાવેલા સાડા ત્રણ લાખની કિંમતના લીમડા વેચી માર્યા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં આવેલી રાજકોટના એક ઉદ્યોગકારની ખેતીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી લઇ જગ્યાનો કબજો પચાવી લેવા અંગે તેમજ તેમાં વાવેલા લીમડાના ઝાડને કાપી નાખી રૂૂપિયા સાડા ત્રણ લાખમા વેચી નાખી નુકસાન પહોંચાડવા અંગેની ફરિયાદ મછલીવડ ગામના બે ભાઈઓ સામે નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે હાલ રાજકોટમાં રહેતા અને મૂળ કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના વતની એવા હરસુખભાઈ ભાદાભાઈ અકબરી નામના ઉદ્યોગકાર કે જેઓની ખેતીની વારસાઈ જમીન કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં આવેલી છે, જે જમીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી તેઓએ મલબાર લીમડા વાવ્યા હતા.
ઉપરોક્ત જમીનમાં કાલાવડ તાલુકાના મછલીવાડ ગામના બે ભાઈઓ વનરાજસિંહ સુખદેવ સિંહ જાડેજા તેમજ શોભરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ ગેરકાયદે પેશકદમી કરી લીધી હતી, અને આ જગ્યા અમારી છે, તેમ કહી ઉદ્યોગ કાર અને તેના પરિવારને ધોકા વડે ભય બતાવી ફરીથી આવશો તો પતાવી નાખશુ તેવી ધમકી આપી હતી.
આ ઉપરાંત ઉદ્યોગકાર દ્વારા વાવવામાં આવેલા મલબાર લીમડા કે જેને બંને ભાઈઓએ કાપી નાખી રૂૂપિયા સાડા ત્રણ લાખમાં વેચી નાખ્યા હતા, અને નુકસાની પહોંચાડી હોવાથી સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જે મામલે કાલાવડ ગ્રામ્ય ના પી.એસ.આઇ. વી.એ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે.