કૃપયા યાત્રિક ધ્યાન દે.... રેલવે ટિકિટ કઢાવવાના બહાને બે શખ્સો રોકડ અને ઘડિયાળ બઠાવી ગયા
નવાગામમાં રહેતો બંગાળી યુવાન વતનમાં જવા રેલવે સ્ટેશને જતાં ગઠિયા ભેટી ગયા
રાજકોટમાં મુસાફરો સાથે છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે હવે રેલવે સ્ટેશન પર પણ ગઠીયાઓએ અડીંગો જમાવ્યો હોય તેમ રેલ મુસાફરો સાથે પણ છેરતપીંડી કરતાં હોવાનું સામે આવ્યું છે. શહેરના નવાગામમાં રહેતો બંગાળી યુવાન વતનમાં જવા માટે રેલવે સ્ટેશને ગયો ત્યારે બે શખ્સોએ બારોબાર ટીકીટ ખરીદી આપવાના બહાને વિશ્ર્વાસમાં લઈ રૂા. હજારની રોકડ અને ઘડીયાળ બઠાવી ગયાની ફરિયાદ રેલવે પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને હાલ નવાગામમાં પટેલ વિહાર સામે આબાદ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ચાંદી કામની મજુરી કરતાં દીપકુમાર ભુવનેશ્ર્વર કુલે (ઉ.19) નામના યુવાન રેલવે પોલીસ મથમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.16/5નાં તેને વતનમાં જવું હોવાથી રાજકોટ રેલવે સ્ટેશને ગયો હતો. તેને પોરબંદર સાંત્રાગાંચી એકસપ્રેસ ટ્રેનમાં સાંત્રાગાંચી સુધી જવાનું હોવાથી તેઓ રેલવે ટીકીટ બુકીંગ કાર્યાલય પાસે બેઠો હતો ત્યારે એક અજાણ્યો યુવાન (ઉ.25) તેની પાસે આવ્યો હતો અને મિત્રતા કેળવી કયાં જવાનું છે તેમ પુછતાં તેણે સાંત્રાગાંચી જવાનું કહેતા તે શખ્સે તેના મામા ટીટીઈ હોવાનું અને તેની પાસે ટિકીટ કઢાવી આપવાનું જણાવતાં ફરિયાદીએ તેના ઉપર વિશ્ર્વાસ આવતાં તે શખ્સે ફરિયાદીનો મોબાઈલ, આધારકાર્ડ અને ટીકીટના રૂા.6 હજાર અને કાંડા ઘડીયાળ આપી હતી. બાદમાં થોડીવાર બાદ ત્યાં એક અજાણ્યો શખ્સ આવેલો જેની ઓળખાણ પહેલા શખ્સે તેના મામા ટીટીઈ તરીકે કરાવી હતી.
બાદમાં આ બન્ને શખ્સો રેલવેની સાદી ટીકીટ લેવા માટે જતાં રહ્યા હતાં. પરતુ બાદમાં ઘણો સમય વિતવા છતાં બન્ને પરત ન આવતાં ફરિયાદીને આ બન્ને શખ્સોએ છેતરપીંડી કરી રૂા.6 હજારની રોકડ, ઘડીયાળ અને આધારકાર્ડ, મોબાઈલ લઈ જઈ છેતરપીંડી આચર્યાની શંકા જતાં આ અંગે રેલવે પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી રેલવે પોલીસે બંગાળી યુવાનની ફરિયાદ પરથી બન્ને અજાણ્યા શખ્સો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.