અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પાર
અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે.અમદાવાદ એરપોર્ટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં 10.48 લાખ ડોમેસ્ટિક અને 2.15 લાખ ઈન્ટરનેશનલ એમ કુલ 12.63 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. નવેમ્બર 2024માં અમદાવાદ એરપોર્ટમાં 9.93 લાખ ડોમેસ્ટિક અને 2.04 લાખ ઈન્ટરનેશનલ એમ કુલ 11.98 લાખ મુસાફરો હતા. આમ, નવેમ્બર કરતાં ડિસેમ્બરમાં મુસાફરોની અવર-જવરના પ્રમાણમાં વધારો થયો છે.
અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બરમાં 1378 ઈન્ટરનેશનલ અને 7851 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર નોંધાઈ હતી. ગુજરાતના અન્ય એરપોર્ટની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં સુરતમાં 1.57 લાખ, વડોદરામાં 1.18 લાખ, રાજકોટમાં 1.05 લાખ, ભુજમાં 15,895, જામનગરમાં 12,003 , દીવમાં 10,570, કંડલામાં 4,848, કેશોદમાં 2,360 , પોરબંદરમાં 58 મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી.