પરબડીનો તલાટી કયુઆર કોડથી 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન સહાય મેળવવા મેમોરેન્ડમ માટે લાંચ માંગી હતી
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તલાટી કમ મંત્રી જયદીપભાઈ જનકભાઈ ચાવડાને લાંચ લેતા પકડ્યા છે. તલાટીએ કોર્ટ મેરેજના મેમોરેન્ડમ માટે ડિજિટલ પેમેન્ટ દ્વારા ₹1500ની લાંચ માંગી હતી.
એક વ્યક્તિએ પરબવાવડી ગામમાં કોર્ટ મેરેજ કર્યા હતા. સરકારી આર્થિક સહાય મેળવવા માટે તલાટી મંત્રી પાસેથી મેમોરેન્ડમની જરૂૂર હતી. ફરિયાદીએ જ્યારે મેમોરેન્ડમ માટે સંપર્ક કર્યો ત્યારે તલાટી જયદીપ ચાવડાએ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપના ચછ કોડ દ્વારા ₹1500ની લાંચની માંગણી કરી.
પરેશાન ફરિયાદીએ રાજકોટ ACB કચેરીનો સંપર્ક કર્યો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી ડિજિટલ પેમેન્ટ દ્વારા લાંચની રકમ સ્વીકારી હતી. રકમ પોતાના ખાતામાં જમા થયાની પુષ્ટિ પણ આપી હતી. આ દરમિયાન ACBએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
આ ઓપરેશનમાં ACB રાજકોટના પીઆઇ આર.આર.સોલંકી તેમના સ્ટાફ સાથે હાજર હતા. મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન કર્યું હતું. ACBએ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.