ભાણવડના ચીટિંગ કેસમાં વધુ એક પકડાયો
રૂા.સવા બે લાખનો મુદ્દામાલ કબજે: અગાઉ રાજકોટનો એક પકડાયો’તો
ભાણવડમાં રહેતા એક આસામી પાસેથી ફાઇનાન્સ કાર્ડનો ઓટીપી મેળવીને છેતરપિંડી કરવા સબબ અગાઉ ઝડપાયેલા રાજકોટના એક આરોપી બાદ જિલ્લા સાયબર સેલ પોલીસે અમદાવાદના વધુ એક શખ્સને ઝડપી લીધો હતો.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા એક આસામીને ફોન ઉપર બજાજ ફાઇનાન્સ કાર્ડ પર લોન આપવાની વાત કરી અને ઓ.ટી.પી. મેળવી લીધા બાદ જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદી તેના કાર્ડ ઉપર થઈ ગઈ હોવાથી આ અંગે જે-તે આસામી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને આ પ્રકરણમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર રહેતા સાગર દિનેશ સોલંકી નામના 24 વર્ષના શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગેની પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં લીમડી ચોક ખાતે રહેતા મોહમદ અલમાસ મોહમ્મદ સલીમ શેખ નામના 26 વર્ષને પણ વર્ષના શખ્સને પણ પોલીસે ઝડપી લીધો હતો.
આ પ્રકરણ સંદર્ભે પોલીસની પૂછતાછમાં બી.કોમ. સુધી ભણેલા આરોપી મોહમ્મદ અલમાસ શેખ કે જે અમદાવાદ ખાતે રહી, અને રેડી મેઈડ કપડાનો વ્યવસાય કરે છે. તેના દ્વારા ઉપરોક્ત ગુના સંદર્ભે અગાઉ પકડાયેલા સાગર સોલંકી બજાજ ફાઇનાન્સના કાર્ડ ઉપર લોન કરાવી આપવાની જાહેરાત મૂકી અને લોન કંપનીના એજન્ટ તરીકે લોકોને વિશ્વાસમાં લેતા હતા. તેના દ્વારા ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી બજાજ કાર્ડની માહિતી તેમજ પાસવર્ડ મેળવીને આ ઓટીપી અમદાવાદ રહેતા મોહમ્મદ અલમાસ મોહમ્મદ સલીમને મોકલી આપવામાં આવતો હતો અને આ ઓટીપીના આધારે તે બજાજના કાર્ડ ઉપર લોન કરાવીને એસી, લેપટોપ, મોબાઈલ ફોન જેવી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરતો હતો. આ ચીજ વસ્તુઓ તે અન્ય જગ્યાએ વહેંચી અને નફો મેળવી અનેક લોકોને સીસામાં ઉતાર્યા હોવાની કબુલાત તેના દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી હતી.આ પ્રકરણમાં પોલીસે આરોપી પાસેથી રૂૂપિયા 82,818 ની કિંમતના બે એસી, રૂૂપિયા 1.20 લાખની કિંમતના બે લેપટોપ તેમજ 23,097 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે.
આમ, આ સમગ્ર ચીટિંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર ક્રાઇમ પી.આઈ. ડી.એચ. ભટ્ટ, પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા, હેમંતભાઈ કરમુર પબુભાઈ ગઢવી, મુકેશભાઈ કેસરિયા, મુકેશભાઈ નંદાણીયા તેમજ દિવ્યરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
કોઈપણ વ્યક્તિને ઓ.ટી.પી. જેવા પર્સનલ ડેટા ફોન ઉપર શેર ન કરવા તેમજ જરૂૂર પડ્યે ખરાઈ કરીને જ આ પ્રકારના આર્થિક વ્યવહાર કરવા જાગૃત રહેવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.