રાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’
ત્રણ શખ્સો હથિયાર સાથે તેમજ દારૂના પાંચ કેસ પોલીસ ચોપડે નોંધાયા
નશાખોર, આવારા તત્ત્વો, રોમિયોગીરી કરતા શખ્સોને પકડવા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોએ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી
ગઇકાલે 2024 ની સાલનો અંતિમ દિવસ એટલે કે થર્ટી ફસ્ટ ડીસેમ્બરની રાત્રે રાજકોટ શહેરમા ડીજેના તાલે લોકોએ ઉજવણી કરી અને ર0રપ ના વર્ષને આવકાર્યુ હતુ. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, ગોંડલ ચોકડી, કટારીયા ચોકડી, માધાપર ચોકડી સહીતના રાજકોટમા પ્રવેશતા તમામ વાહનોને ચેક કરવામા આવ્યા હતા.
તેમજ રાજકોટની ભાગોળે 8 થી 9 જગ્યાએ થર્ટી ફસ્ટની ઉજવણી માટે અને નવા વર્ષને વધાવવા માટે ડાન્સ પાર્ટીનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, ટ્રાફિક ડીસીપી પુજા યાદવ અને એસીપી બી. બી. બસીયાની રાહબરીમા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, મનોજ ડામોર અને સી. એચ. જાદવ, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજાના માર્ગદર્શનમા ક્રાઇમ બ્રાંચ, એસઓજી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમોએ કોટેચા ચોક, કેશરીહિન્દ પુલ, યાજ્ઞિક રોડ, કિશાનપરા ચોક, રૈયા રોડ, કાલાવડ રોડ, લવ ટેમ્પલ, કટારીયા ચોકડી, એસ્ટ્રોન ચોક સહીતના અનેક વિસ્તારોમા બ્રેધ એનેલાઇઝર દ્વારા ચેકીંગ કરવામા આવ્યુ હતુ. તો બીજી તરફ રાતના સમયે કામ વગર આટાફેરા કરતા આવાર તત્વો, રોમીયોગીરી કરતા શખ્સો તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓમા સંડોવાયેલા શખ્સોને પકડવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. તેમજ શહેરમા કાળા કાચ લગાવી ફરતી કારને અટકાવી તેઓને પણ દંડ ફટકારવામા આવ્યો હતો.
જેમા બ્રેધ એનેલાઇઝરથી ચેક કરવામા આવતા પીધેલાઓમા બુધેહસીંહ કાળુભા વડોદીયા, અજય જેન્તી ડઢાણીયા, સુનીલ બહુકીયા, મહેશ સરવૈયા, પ્રતાપ જયોતીસીંગ મરાઠા, મનીષ નટુ સોલંકી, કિરીટ પ્રવિણ દરજી, મિલન હસમુખ સોલંકી, કિશોર ભીખા સીતાપરા, વિમલ કનકરાય ગાંધી, ધવલ ઘનશ્યામભાઇ પટેલ, નવીન રામજીભાઇ ભોયા, અલ્પેશ બીપીનભાઇ માંડલીયા, દિલીપ હિરાભાઇ બાંભણીયા, નિલેશ દયારામ પટેલ, પ્રકાશ માનસીંગ પરમાર, અજય ભગવાનજી ચૌહાણ, રજાક અબ્દુલ શેખ, ડાક વગાડવાનુ કામ કરતા હિતેશ અશોક ચૌહાણ, હરીસિંગ નેપાળી, જયેશ પુનાભાઇ રાઠોડ, મહેશ આશુદામલ ખટવાણી, પરબત વાલજી ગમારા, હિતેશ પ્રેમજી પુજારા, ધર્મેશ ગોપાલ વાગડીયા, હિતેશ ગંગારામ રાઠોડ, સુરેશ ધીરુભાઇ જમોડ, શામજી જેહાભાઇ જમોડ, વિનોદ યોગેશ ધકાલ, જેન્તી મેઘા મકવાણા, મિલન જગદીશ વિરડીયા, ભાવીન રમણીક કંટારીયા, રાજેશ મહેશ વાઘેલા, જયેશ નવનીત ચાવડા, વેપારી રીધીશ વિનુ કારેથીયા, રવિ અશોક મકવાણા સહીત કુલ પ0 જેટલા શખ્સો પીધેલી હાલતમા પોલીસની ઝપટે ચડી ગયા હતા. તેઓ સામે પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી. આ સિવાય પોલીસે વિસ્તારોમા જઇ તપાસ કરતા 8 જેટલા દેશી દારૂના કેસ પણ નોંધ્યા હતા અને 3 થી 4 લોકો વિરૂધ્ધ હથીયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી.
પ્રજાને સલામતી અને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા સી.પી. બ્રજેશ ઝા
સી. પી. બ્રજેશ ઝા એ જણાવ્યુ હતુ કે રાજકોટની જનતાને સલામતી અને સુરક્ષાનો પુરેપુરો અનુભવ થાય આ હેતુથી પોલીસ દ્વારા શહેરમા સઘન પેટ્રોલીંગ અને ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ અને વર્ષના અંતિમ દિવસે પણ લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે ફરજ પર રહી હતી. આ તકે પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ રાજકોટ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને 1પ00 થી વધુ પોલીસ કર્મચારીઓએ જે ફરજ બજાવી છે તેના વખાણ કર્યા હતા.
પાર્ટીમાં જમાલકુડુ ડાન્સમાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથેનો વીડિયો વાઇરલ
રાજકોટ શહેરમા થર્ટી ફસ્ટની રાત્રે રાજકોટ શહેરની ભાગોળે લગભગ આઠેક જગ્યા પર ડાન્સ પાર્ટીઓ યોજવામા આવી હતી તેમજ આ પાર્ટીઓમા કોઇ પીધેલા હાલતમા દારૂની બોટલ નથી લઇ જતા ને ? તેનુ પણ પોલીસે ખાસ ધ્યાન રાખ્યુ હતુ આમ છતા રાજકોટની ભાગોળે આવેલી એક પાર્ટીમા એક વ્યકિતનો દારૂની બોટલ સાથેનો વીડીયો વાઇરલ થયો હતો. તેમજ આ વીડીયોના બેકગ્રાઉન્ડમા એનીમલ મુવીનુ જમાલકુડુ સોંગ વાગતુ સંભળાય રહયુ છે. તેમજ આ પાર્ટીના સ્ટેજ પર નોવા હોટલનુ હોર્ડીંગસ પણ જોવા મળે છે. આ સમગ્ર ઘટનામા પોલીસે આ વીડીયો સોશ્યલ મીડીયા પર અપલોડ કરનાર ગૌરવ.એ.આર ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.