દિવાળીની રાત્રે જુદા-જુદા 10 સ્થળે ધોકા, પાઇપ, છરી ઉડ્યા
સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી રૂમ આખી રાત દર્દીઓથી ખીચોખીચ રહ્યો અને પોલીસ રાતભર દોડતી રહી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઇ હોય તેમ દિવાળીના તહેવારમાં માત્ર 18 કલાકમાં 4 લોથ ઢળી છે. ત્યારે દીવાળીની રાત્રે જૂદા જૂદા 10 સ્થળે નજીવા પ્રશ્ર્ને છરી, ધોકા અને પાઇપ વડે મારામારી થઇ હતી. જેમાં ઘવાયેલા 10 લોકોને સારવાર માટે ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી રૂમ આખી રાત દર્દીઓથી ખીચોખીચ રહ્યો હતો અને પોલીસ પણ રાત ભર દોડતી રહી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શિવાલય સોસાયટીમાં રહેતા મહેશભાઇ પ્રભુદાસભાઇ સોલંકી (ઉ.વ.41)ને રાત્રીના સમયે પ્રવિણ અને અમીતે લાકડી વડે મારમાર્યો હતો. કોઠારીયા સોલવન્ટમાં રાત્રીના 11 વાગ્યે બબલુ રામેશ્ર્વર કુસવા (ઉ.વ.27) ઉપર અજાણયા શખ્સોએ ધોકા વડે હૂમલો કર્યો હતો. બજરંગ વાડીમાં મોહિત સુરેશભાઇ ડોડીયા (ઉ.વ.40)ને પ્રિન્સ નામના શખ્સે હાથમાં પહેરવાના કડા વડે મારમાર્યો હતો. દેવનગરના ઢોરે વિજયભાઇ ધીરુભાઇ મકવાણા (ઉ.વ.45)એ દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતા કિશોર અને જહા નામના શખ્સોએ ધોકા વડે હૂમલો કર્યો હતો.
રાજકોટના બેડલા ગામે નજીવા પ્રશ્ર્ને સામસામે મારામારી થઇ હતી. જેમાં અજીત દેવાભાઇ રાઠોડ (ઉ.વ.29) ઉપર અનીલ, અજીત અને અતુલે પાઇપ વડે હૂમલો કર્યો હતો. જયારે વળતા પ્રહારમાં હેમબેન શામજીભાઇ રાઠોડ (ઉ.વ.60)ઉપર અજીત દેવા અને સુનીલ દેવા સહિતનાએ ઝઘડો કરી મારમાર્યો હતો.ચુનારવાડામાં મધ રાત્રે રોહીત રામાભાઇ પરમાર(ઉ.વ.20) ઉપર અજાણયા શખ્સો ધોકા વડે તૂટી પડ્યા હતા. આજીડેમ પાસે શિવપાર્કમાં રહેતો મોહિત જેન્તીભાઇ પરમાર (ઉ.વ.30) કોઠારીયા રોડ ઉપર હતો. ત્યારે રોહીત અને સિધ્ધરાજ નામના બંનેશ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ખોખળદળ નદીના પુલ પાસે ઝડેશ્ર્વર મંદિર પાસે રહેતા અનીલ ધીરુભાઇ વાઘેલા (ઉ.વ.30)ને મુન્નકાઠી અને લાલભાઇ સહિતના શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ઢીકા પાટુનો માર માર્યો હતો. જ્યારે વિરાણી અધાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રામકુમાર રામ અયોધ્યા યાદવ(ઉ.વ.20) ઉપર અજાણયા શખ્સોએ પાઇપ વડે હૂમલો કર્યો હતો. ઉપરોકત મારામારી ઘવાયેલા લોકોનેસારવાર માટે ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી રૂમ આખી રાત દર્દીઓથી ખીચોખીચ રહ્યો હતો અને પોલીસ પણ રાત ભર દોડતી રહી હતી.
