વીરપુરમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરી
વીરપુર પંથકમાં છેલ્લા ઘણા વખતથી વાયર ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. વીરપુર અને કાગવડ પંથકમાં સક્રિય થયેલી ટોળકીએ બે ટીસીમાંથી 37 લીટર ઓઈલ અને 20 કિલો કોપર વાયરની ચોરી કરી ટીસીને નુકસાન પહોંચાડતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પીજીવીસીએલના કર્મચારી ગોંડલના ભવનાથ નગરમાં રહેતાં જયંતકુમાર જયંતિલાલ રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અંગે વીરપુર કાગવડ વચ્ચે હેવન રિસોર્ટ જવાના રસ્તે દ્વારકાધિશ હોટલ પાસે તથા પીઠડીયા ગામ નજીક રામ ટેકરીના રસ્તે મંદિર પાસેના પાવર સપ્લાયનું પાંચ કે.વી.ના બે ટીસીમાંથી 36 લીટર ઓઈલ તેમજ બાજુનાં રસ્તે આવેલ બે ટીસીમાંથી 20 કિલો કોપર વાયરની તસ્કરો ચોરી કરી ગયા હોય અને ટીસીને નુકસાન પહોંચાડયું હોય આ મામલે વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાયર ચોરી કરતી આ ટોળકીએ ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયર ચોરી કરતાં કાગવડ તેમજ પીઠડીયા અને વીરપુર પંથકના વાડી વિસ્તારમાં અંધાર પટ છવાઈ ગયો હતો જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ મામલે વીરપુર પોલીસ અને ગ્રામ્ય એલસીબીએ આ ટોળકીનું પગેરુ દબાવવા વધુ તપાસ શરૂ કરી છે.