પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 8 ક્વાર્ટર ખાલી કરાવવામાં આવ્યા હતા અને કબજેદારોનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં એસીસી કંપની બંધ થયા બાદ કામદારો અને કંપની વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે.
વર્ષ 2011માં તંત્ર દ્વારા કરાયેલી ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે કામદારો સિવાયના કેટલાક લોકો આ ક્વાર્ટરમાં રહેતા હતા. તે સમયે 10થી વધુ ક્વાર્ટર સીલ કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક વર્ષો પછી 8 જેટલા ક્વાર્ટરના સીલ તોડીને કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ફરી કબજો જમાવ્યો હતો, જ્યારે કેટલાક ભાડુઆત તરીકે રહેવા લાગ્યા હતા.
આ બાબત તંત્રના ધ્યાન પર આવતા સમયાંતરે નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં ક્વાર્ટર ખાલી ન કરાતા, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ અને મામલતદાર ભરત સંચાણીયા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.