કુખ્યાત શખ્સોએ વેપારીના ઘર પર સોડા બોટલો ફેંકી કરેલી તોડફોડ
બે દિવસ પહેલાં થયેલી સામાન્ય માથાકૂટનો ખાર રાખી મોડી રાત્રે 8 શખ્સોએ આતંક મચાવ્યો
શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા બોટલોના ઘા કરી મકાન અને વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચાર બાઈક ઉપર ધસી આવેલા આઠ શખ્સોએ સોડા બોટલના છુટા ઘા કરી ઘર પાસે પડેલા પાંચ ટુ વ્હીલર અને એક કારમાં ધોકા પાઈપ ફટકારી રૂા.4 લાખનું નુકસાન કર્યુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જુલેલાલનગર શેરી નં.5માં રહેતાં અને જુલેલાલ મંદિર પાસે ગુરૂનાનક ડ્રીકીંગ વોટર નામનો મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતાં આશિષભાઈ ચેતનભાઈ નેભાણી (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્લમ કવાર્ટરમાં રહેતાં ફૈઝલ ર્ઉર્ફે કાલી રહીમભાઈ ભાણુ, ઈરફાન રહીમભાઈ ભાણુ, અબ્દુલ દાઉદભાઈ લંજા, હશન અને અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.9નાં સાંજે ફરિયાદી એકટીવા લઈ જતાં હતાં ત્યારે ઘર નજીક આરોપી ફૈઝલ તેનું સ્કુટર લઈ સામેથી આવતો હોય તેણે મારી સાથે તારી એકટીવા કેમ આડી નાખે છે તેમ કહી ઝઘડો કરી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને છરીના ઘા ઝીંકી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સમયે પરિવારજનો એકઠા થઈ જતાં ઘર મેળે સમાધાન કરવાની વાત કરી હતી.
ગઈકાલે સમાધાન માટે કારખાને આવવાની વાત કરી હતી પરંતુ આરોપીઓ સમાધાન માટે આવ્યા ન હતાં. દરમિયાન રાત્રિના બે વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેનો ભાઈ તેના કાકાના દીકરા કમલેશભાઈના ઘરે હતાં ત્યારે ઉપરોકત તમામ આરોપીઓએ ચાર બાઈકમાં ધસી આવી ઘર ઉપર સોડા બોટલના છુટા ઘા કરવા લાગ્યા હતાં. જેથી ઘરની બાલ્કનીમાં કમલેશભાઈનો પુત્ર ઉભો જેને લેવા જતાં ફરિયાદીના ભાઈ વિજયભાઈને છાતીમાં સોડા બોટલ લાગી ગઈ હતી. દરમિયાન તમામ આરોપીઓએ ઘર પાસે પાર્ક કરેલા પાંચ બાઈકમાં ધોકા પાઈપ ફટકારી નુકસાન કર્યું હતું. ત્યારબાદ આરોપીઓ નાસી છુટયા હતાં. જેથી ફરિયાદી સહિતનાં લોકોએ ઘર બહાર નીકળી જોયું તો આરોપીઓએ ઘર ઉપર પથ્થર મારો કરી ઘરની રેલીંગના કાચ ફોડી નાખ્યા હતાં અને દરવાજામાં પણ ધોકા પાઈપ ફટકારી નુકસાન કર્યુ હતું.
આ ઉપરાંત ફરિયાદી તેના ઘરે જતાં ઘર પાસે પડેલી તેમની કારમાં પણ ધોકા પાઈપ ફટકારી આરોપીઓએ તોડફોડ કરી હોય આમ આરોપીઓએ ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી રૂા.4 લાખનું નુકસાન કર્યુ હોય જે અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર.કે.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.