વિક્રમ ચોકમાં કુખ્યાત શખ્સોની ધમાલ; પાંચ ઘવાયા
બન્ને પક્ષે મારામારીમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને મારામારી અને જીવલેણ હુમલા થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા વિક્રમ ચોકમાં કુખ્યાત શખ્સોએ ધમાલ મચાવી હતી. જેમાં કુખ્યાત શખ્સોને સમજાવવા જતાં બન્ને પક્ષોએ મારામારી થઈ હતી. મારામારીમાં ઘવાયેલા બન્ને કુખ્યાત સહિત પાંચ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા રાધાનગર કૃષ્ણનગરમાં રહેતાં ચેતનભાઈ ધીરૂભાઈ ચાવડા (ઉ.40), પ્રભાતભાઈ કાળુભાઈ લાવડીયા (ઉ.40) અને અરવિંદભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.34), રાત્રીના વિક્રમ ચોકમાં હતાં ત્યારે વિશ્ર્વજીત પ્રભાતભાઈ જળુ અને અરમાન મહેબુબભાઈ અજમેરી સહિત બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં વિશ્ર્વજીત જળુ (ઉ.21) અને અરમાન અજમેરી (ઉ.21) ઉપર વિક્રમ ઉર્ફે ચેતન સહિતના શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો હતો. સામ સામે મારામારીમાં ઘવાયેલા પાંચેય યુવાનોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે ચેતનભાઈ ચાવડાએ હુમલાખોર વિશ્ર્વજીત જળુ અને અરમાન અજમેરી વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીના સમયે તે પોતાનું સ્કુટર લઈ ઘરે જતાં હતાં ત્યારે વિશ્ર્વજીત જળુ અને અરમાન અજમેરી સહિતના ચારેય શખ્સો બિભત્સ ગાળો ભાંડી અહિં શેરીમાં હવે આપણને બેસવાની કોણ ના પાડે છે ? જોઈએ અને ના પાડે તો છરીના ઘોદા મારી દેવા છે તેવું કહી ધમાલ મચાવતા હતાં જેથી ચેતનભાઈ ચાવડાએ જાહેરમાં ગાળો બોલવાની અને હોબાળો મચાવવાની ના પાડતાં છરી અને પાઈપ વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે,વિશ્ર્વજીત જળુ અગાઉ દારૂના ગુનામાં અને અનવર અજમેરી ગઈકાલે છરી સાથે પોલીસની ઝપટે ચડી ચુકયો હોવાનું જાણવા મળ્યું છે. ચેતનભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.