51 લાખની લાંચ કેસમાં ફરાર ટંકારા પીઆઇ-હેડ કોન્સ્ટેબલને હાજર થવા નોટિસ
મોરબી જિલ્લા સત્ર ન્યાયાલયે ટંકારાના પૂર્વ પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને ફરારી જાહેર કર્યા છે. કોર્ટે બંને આરોપીઓને 30 દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.
આ કેસની વિગતો મુજબ, ગત વર્ષે 27 ઓક્ટોબરે ટંકારા પોલીસે વીરપુર ગામની સીમમાં આવેલી કમ્ફર્ટ હોટલમાં જુગાર રેડ કરી હતી. હોટલના રૂૂમ નંબર 105માંથી પ્લાસ્ટિકના કોઇન વડે ત્રણ પત્તીનો જુગાર રમતા નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું કે એક આરોપીએ ખોટું નામ આપ્યું હતું. રવિ મનસુખભાઈ પટેલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હતું. આ ઘટના બાદ પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી.
ડિસેમ્બર 12ના રોજ એસએમસીના પીઆઇ આર.જી. ખાંટે બંને અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ, બંને રાજ્ય સેવકોએ ખોટા પુરાવાને સાચા તરીકે રજૂ કરી 51 લાખ રૂૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો હતો.
આ કેસની તપાસ લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીને સોંપવામાં આવી છે. આરોપીઓ હજુ સુધી ફરાર છે. મોરબી જિલ્લા સત્ર ન્યાયાધીશ અને વિશિષ્ટ એસીબી અદાલતે બંને આરોપીઓને ફરારી જાહેર કરી નોટિસ જારી કરી છે.