જાત્રા કરવા જવા રૂપિયાની વ્યવસ્થા નહીં થતા ભાણેજે મામાના ઘરમાંથી રૂ.8.37 લાખના દાગીના ચોરી લીધા
શહેરના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લઈ રાજસ્થાનથી તસ્કર ટોળકીને ઝડપી લીધી ત્યાં વધુ બે ચોરીના બનાવો બન્યા હતા જેમાં ચુનારાવાડમાં મકાનમાં માતાજીના મઢ માંથી રૂૂ.8.37 લાખ અને વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં વેપારીના ઘરેથી રૂૂ.1.53 લાખની ચોરીના બે બનાવો થોરાળા અને તાલુકા પોલીસમાં નોંધાયા હતા. જો કે ચુનારાવાડમાં માતાજીના મઢમાંથી થયેલી રૂૂ.8.37 લાખની ચોરીનો ભેદ થોરાળા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લઈ મકાન માલિકના ભાણેજની ધરપકડ કરી ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારીને ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પકડાયેલ ભાણેજને જાત્રા કરવા જવું હોય પણ રૂૂપિયા નહી હોવાથી માતાજીના મઢ માંથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
મળતી વિગતો મુજબ ચુનારાવાડ શેરી નં. 8માં રહેતા અને ડ્રાઈવીંગ કરતા રાજેશ બાબુભાઈ માલાણી (ઉ.વ. 45)એ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે ઘરે પૂજા હોવાથી પરિવારના સભ્યોએ ઘરમાં રહેલ દાદાના મઢની પૂજા કરી હતી. રાત્રે દસેક વાગે મઢને તાળું મારી સુઈ ગયા હતા. વહેલી સવારે પાણી ભરવા માટે જાગતાં જોયું તો મઢમાંથી સોનાના બે છતર, સોનાના નાના-મોટા 18 હાર, સોનાના 4 કડા અને 2 ટીકકા વગેરે મળી કુલ રૂૂા. 8.37 લાખના દાગીના ગાયબ હતા. થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચોરી કરનાર રાજેશભાઈના ભાણેજ ભાવનગર રોડ ઉપર સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતા વિશાલ ઉર્ફે વિશુ રવિભાઈ સલાટને સકંજામાં લઈ પુછપરછ કરતા તેણે ચોરીની કબુલાત આપી હતી અને ચોરી કરેલા દાગીના કરણપરા ચબુતરા પાસે શાંતા એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી ભાવેશ બિપીનચંદ્ર પારેખને વેચી નાખ્યાનું જણાવતા થોરાળા પોલીસે ભાવેશ બીપીન પારેખ સામે પણ ગુનો નોંધ્યો હતો અને ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ કરી હતી.
ચોરી કરનાર રાજેશભાઈના ભાણેજ વિશાલ ઉર્ફે વિશુ રવિભાઈ સલાટની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, વિશાલને જાત્રા કરવા જવું હોય અને રૂૂપિયા નહી હોવાથી મામાના ઘરે માતાજીના મઢમાં ચોરી કરી હતી.પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા તેમજ ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની સુચનાથી થોરાળા પોલીસ મથકના પી.આઈ એન.જી.વાઘેલા સાથે પીએસઆઈ એચ.ટી.જીંજાળા, એએસઆઈ દેવશીભાઈ ખાંભલા રાજેશભાઇ મેર, હસમુખભાઇ નિનામા,જયદિપ સિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ ભરવાડ અને પ્રકાશભાઇ ચાવડા સહિતની ટીમે કામગીરી કરી હતી.
વાવડીમાં વેપારીના ઘરમાં રૂ.1.53 લાખની ચોરી
વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં બકાલાના વેપારી દિપકભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ. 40)ના મકાનમાં રૂૂા.1.53 લાખની મત્તાની ચોરીની ફરિયાદ તાલુકા પોલીસમાં હતી. શાકભાજીના વેપારી દીપકભાઈ સોમવારે સાંજના પરિવારના સભ્યો રિક્ષામાં વાંકાનેરના ગયા હતા. માવતર વાંકાનેરમાં જ રહેતા હોવાથી રાત ત્યાંજ રોકાઈ ગયા હતા. આજે સવારે ઘરે આવીને જોયું તો ડેલીનું તાળું ગુમ જોવા મળ્યું હતું. લોખંડની જાળી પરનું તાળું પણ જોવા મળ્યું ન હતું. અંદર જઈ રૂૂમમાં જોતાં સામાન વેર-વિખેર પડયો હતો. કબાટની તિજોરીમાંથી ચાંદીના સાંકળા, ચાંદીની ગાંસડી, કાનમાં પહેરવાની સોનાની બુટી અને રોકડા રૂા. 75,000 મળી કુલ રૂા.1.53 લાખની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.