પાટડીના નારણપુરામાં ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી, પશુ પાલકની ફરિયાદ
પાટડી તાલુકાના નારણપુરાના ચરવા ગયેલી નવ ભેંસોની ચોરી થઈ છે. જે અંગે પશુપાલકે રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટડી તાલુકાના નારણપુરા ગામના ગોપાલ મુંધવા પોતાની માલિકીની ભેંસો લઈ નારણપુરા ગામની ખારાવાડી સીમમા ચરાવવા માટે ગયો હતો. બાદમાં એને તાવ આવતા એ પોતાની 17 ભેંસો સીમમાં મુકી ઘેર આવી ગયો હતો. એમાંથી માત્ર 7 ભેંસો જ સાંજે ઘેર પરત આવી હતી.
જે અંગે બાકીની 10 ભેંસોની સઘન શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. બાદમાં એમાંની એક ભેંસ રણકાંઠામા ટુંડી ટાવર પાસેથી પાણીમાંથી મળી આવી હતી. જેને સુતરના (રાસ) દોરડા વડે મૌયડો નાંખી તથા રાસનો નાનો ટુકડો બાંધેલો હતો. આથી એમની ચરવા ગયેલી નવ ભેંસો ચોરાતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે ગોપાલભાઈએ રૂૂ. 1.95 લાખની નવ ભેંસો ચોરાયાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીઆઇ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યાં છે.