ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયા
ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે.
ભાણવડ તાલુકા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત એવી છે કે ભાણવડમાં આવેલા પટેલ સમાજ સામે મહાલક્ષ્મી નગરમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ રામભાઈ ઓડેદરા નામના 38 વર્ષના મહેર યુવાન તથા તેમના પિતા રામભાઈ ઓડેદરા પર રવિવાર તા. બીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કરીને તેમને લોહી-લોહાણ કરી દીધા હતા.
આ પ્રકરણ સંદર્ભે અનિલભાઈ ઓડેદરા દ્વારા ભાણવડના રહીશ લખન જેસાભાઈ કારાવદરા, જેસાભાઈ વિસાભાઈ કારાવદરા, વિરમ વિસાભાઈ કારાવદરા, અનિલ વિરમભાઈ કારાવદરા તેમજ ભરતપુર ગામના નગાભાઈ બાલુભાઈ મોઢવાડિયા અને જયમલ નગાભાઈ, રામભાઈ જેસાભાઈ કારાવદરા અને બગવદર ગામના અજુ ગોઢાણીયા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ નવ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. આમ, એક અજાણ્યા સહિત તમામ નવ આરોપીઓએ અનિલભાઈ તથા તેમના પિતાને બીભત્સ ગાળો કાઢી, ફ્રેક્ચર સહિતની ઈચ્છાઓ પહોંચાડતા ભાણવડ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ તેમની ટીમે તાકીદની કાર્યવાહી કરી, ટૂંકા સમય ગાળામાં છ શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. ખાંટ ચલાવી રહ્યા છે.