બેફામ વાણી વિલાસ કરનાર બન્ની ગજેરાના ‘ગોડફાધર’ તરીકે નિખિલ દોંગાનું નામ ખુલ્યું
સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે જાણીતા રાજકોટ સ્થિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.તેની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ વાણીવિલાસ કર્યા અંગે ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે પોલીસે કાર્યવાહી કરી અને બન્ની ગજેરાને જુદી જુદી છ ફરિયાદોમાં જેલ ભેગા કરી દીધો હતો.આ ઘટનામાં બન્ની ગજેરાને પડદા પાછળ આર્થિક સહાય કરનાર અને પિયુષ રાદડિયા ને વચ્ચે રાખી બન્ની ગજેરા પાસે વાણી વિલાસ કરતા વિડીયો બનાવવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે નામચીન એવા નિખિલ દોગાનું નામ ખોલતા પોલીસ એક્શનમાં આવી છે અને તેમની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રાજકોટના યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી.આ ધરપકડ 15મી મેના રોજ વિશાલ ખુંટ નામના વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી હતી.આ ફરિયાદમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ વાણીવિલાસ કર્યો હતો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.ખાસ કરીને, બન્ની ગજેરાએ વિશાલ ખુંટ તેમજ વિશાલ ખૂંટના મિત્રની પત્નીને બદનામ કરવા બાબતે ટિપ્પણીઓ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો.બન્ની ગજેરા અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયાના વીડિયો અને ટિપ્પણીઓને કારણે વિવાદોમાં રહી ચૂક્યો છે.
બન્ની ગજેરા વિરુદ્ધ માત્ર આ એક જ ફરિયાદ નથી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના અન્ય બે પોલીસ સ્ટેશન, એમ કુલ છ જેટલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવી છે.આ ફરિયાદોમાં ખંડણી સહિતની ગંભીર કલમો અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે.ગોંડલ તાલુકા પોલીસે વિશાલ ખુંટની ફરિયાદના આધારે બન્ની ગજેરા અને તેમના સાગરીત પિયુષ રાદડિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ દ્વારા જણાવાયું હતું કે,બન્ની ગજેરા વિરુદ્ધ અલગ અલગ છ ગુના નોંધાઈ ચુક્યા છે તેની તપાસમાં પિયુષ રાદડિયાને વચ્ચે રાખી નામચીન અને ગુજસીટોકના ગુનાના આરોપી નિખિલ દોગા દ્વારા આર્થિક સહાય કરવામાં આવતી હતી અને તેના દોરી સંચાર દ્વારા જ બન્ની ગજેરા એ વિવાદાસ્પદ વિડીયો બનાવ્યા હોવાનું ખુલતા જ હાલ પોલીસ દ્વારા નિખિલની શોધખોળ કરવામાં આવી રહી છે અને ગુજસીટોકમાં મળેલા જામીન પણ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે તેવું જણાવાયું છે.