જામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર નામના શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની રાધાબેન અને સાળા પતલસિંગે લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. જે હત્યા નિપજાવનાર પત્ની અને સાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, અને બે દિવસના રિમાન્ડ પર લેવાયા હતા, જેના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે.
પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં આ પ્રકરણમાં વધુ એક ધડાકો થયો છે. મૃતક સોહમ કે જેણે પોતાની આગલા ઘરની બે પુત્રીઓ જેમાં 14 વર્ષની એક પુત્રી પર એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું, જ્યારે નવ વર્ષની પુત્રી પર એક જ દિવસમાં બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા ભોગ બનનાર બંને સગીરા ની મોટી બહેન, કે જે હાલ પરણીને બીજે રહે છે, તેની ફરિયાદના આધારે મૃતક સામે પણ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જોકે હાલ આરોપી મૃત્યુ પામ્યો હોવાથી અદાલતમાં તે અંગેનો રિપોર્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા હત્યારમાં વપરાયેલો ધોકો, જે કંતાનના કોથળામાં બાંધીને મૃતદેહ ફેકાયેલો હતો, તે કોથળો, અન્ય કેટલુંક સાહિત્ય કબજે કર્યું છે. જયારે મૃતક શ્રમિક યુવાન અને તેના થકી જન્મેલા બે સંતાનો બંનેના સેમ્પલો લઈને ડીએનએ ટેસ્ટની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.