વઢવાણની સગીરા પર દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવનાર નારાધમને જેલ હવાલે કર્યો
વઢવાણ તાલુકા ગ્રામ્યમાં રહેતી સગીરાને 11 માસ પહેલા એક શખ્સ તેના ઘરમાં લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચરી તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવમાં સગીરાએ 16મી ઓગસ્ટે દિકરાને જન્મ આપ્યો હતો. આ અંગે આરોપી સામે જોરાવરનગર પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરીવારને 16 વર્ષની દિકરી છે.
11 માસ પહેલા સગીરા ધો.10માં અભ્યાસ કરતી હતી. ધો.10 પાસ થયા બાદ ગામમાં ધો.11 ન હોય વઢવાણ તાલુકાના અન્ય એક ગામમાં તેમના સગાને ત્યાં ભણવા મોકલી હતી. તા.16મીએ સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા સુરેન્દ્રનગર દવાખાને લઈ જવાતા તેણે દિકરાને જન્મ આપ્યો હતો. આ વિષે સગીરાની પરીવારજનોએ પુછપરછ કરતા 11 માસ પહેલા તે ગામની કટલેરીની દુકાને વસ્તુ લેવા ગઈ હતી ત્યારે ઘરમાં એકલો જ રહેતો ગામનો અજીત સાગરભાઈ પગી તેને ઘરે લઈ ગયો હતો.
અને દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો પરીવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ રીતે બાદમાં બીજી બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં સગીરા અન્ય ગામ ભણવા જતી રહી હતી. આ અંગે સગીરાની માતાએ આરોપી અજીત પગી સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં તપાસ અધિકારી જોરાવરનગર પીઆઈ એચ.જી.ગોહીલ સહિતની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી અજીત પગીને ઝડપી તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.