ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા
વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી
રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ સામે મોમાઇનગર મફતીયાપરામાં એકલા રહેતાં મનસુખભાઇ આણંદજીભાઇ ટાંક (ઉ.વ.73) નામના વૃધ્ધની કરપીણ હત્યાનો ભેદ પોલી ઉકેલી નાંખતાં ચોંકાવનારી વિગતો ખુલી છે. વૃધ્ધ મનસુખભાઇની હત્યા તેના જ દોહિત્ર કોઠારીયા રોડ પીરવાડી પાછળ જુની ગણેશ સોસાયટી-6માં રહેતાં હર્ષ બિપીનભાઇ સોલંકી (ઉ.વ.20)એ કરી હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી લેવાઇ છે.હર્ષે આ હત્યાને અંજામ આપતાં પહેલા ક્રાઇમ બેઝ સિરીઝ અને દૃશ્યમ જેવા ફિલ્મ જોયા હતાં અને પુરાવાનો નાશ કેમ કરવો તેની માહિતી પણ ઓનલાઇન મેળવી હતી.
ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે હત્યાની ઘટના જાહેર થતાં અલગ અલગ ટીમોએ સીસીટીવી કેમેરા ચેક કરવા, હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સની મદદથી તપાસ આરંભી હતી. આ તપાસમાં હત્યાનો ભોગ બનનાર વૃધ્ધના દિકરી દક્ષાબેન બિપીનભાઇ સોલંકીનો દિકરો હર્ષ શંકાના દાયરામાં આવતાં તેને પોલીસે ઉઠાવી લીધો હતો. પરંતુ પોતે કંઇ જાણતો જ ન હોવાનું રટણ કર્યું હતું. અંતે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા સામે આવતાં હર્ષએ હત્યાનો ગુનો કબુલ્યો હતો.
હર્ષ રાજકોટ પી.ડી. માલવીયા કોલેજમાં ભણતો હતો. પરંતુ બી કોમના બીજા વર્ષમાં અભ્યાસ અધુરો છોડી દીધો હતો. એ પછી તે અવળા રસ્તે ચડયો હતો અને અમદાવાદ સોલા વિસ્તારમાં સોનામહોર જવેલર્સમાથી પંદર તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ દાગીના પેડક રોડ પર બેંકમાં મુકી રૂૂા. 8,65,000ની ગોલ્ડ લોન લીધી હતી. આ લોનના રૂૂપિયામાંથી પાંચ લાખનું દેણુ ભર્યું હતું. 4 લાખ ઓનલાઇન એવીએટર ગેમમાં હારી ગયો હતો. 1 લાખનો એપલનો 15 મોડેલનો રોકડેથી મોબાઇલ લીધો હતો. બાકીના 2 લાખ પિતા બિપીનભાઇને આપ્યા હતાં.જો કે બાદમાં હર્ષ ચોરીના ગુનામાં પકડાઇ જતાં મુદ્દામાલ જમા કરાવવાનો હોઇ પિતા બિપીનભાઇએ અમુક રકમ પોતાની પાસેથી સગા સંબંધીઓ પાસેથી એકઠી કરી હતી. બાકીના 4 લાખ સસરા મનસુખભાઇ પાસેથી લીધા હતાં.
જો કે મનસુખભાઇ પોતે આપેલી રકમનું દર મહિને 4 હજાર વ્યાજ વસુલતા હતાં.આ ઉપરાંત હર્ષએ બીજા 35 હજાર પણ નાના મનસુખભાઇ પાસેથી લીધા હોઇ તેનું પણ તે 1800 માસીક વ્યાજ ભરતો હતો. હર્ષ છુટયા બાદ નાના મનસુખભાઇ તેની પાસે અવાર-નવાર પોતાના રૂૂપિયાની ઉઘરાણી કરતાં હતાં અને તે ચોરીમાં પકડાયો હોઇ સમાજમાં નામ બદનામ કર્યુ છે તેમ કહી મેણા ટોણા મારતાં હોઇ જેથી હર્ષને ખુબ ગુસ્સો આવ્યો હતો. નાના પાસેથી લીધેલા પૈસા ચુકવવા ન પડે અને કાયમની કચ-કચમાંથી છુટકારો મળી જાય એ માટે તેણે નાની હત્યાનો પ્લાન ઘડયો હતો.
તે ઘરમાં ગયો પછી નાના મનસુખભાઇ સાથે થોડો સમય વાતો કરી હતી. જેવા તેના નાના તિજોરીમાંથી કંઇક લેવા ઉભા થયા એ સાથે જ તે હથોડીથી તૂટી પડયો હતો અને આઠ-દસ ઘા ઝનૂનની ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. નાના મૃત્યુ પામ્યા છે તેની ખાત્રી કર્યા બાદ પુરાવાનો નાશ કરવા તેણે લાશ પર કપડા નાંખ્યા હતાં અને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી હતી. પૈસાના હિસાબની ડાયરી પણ સળગાવી નાંખી હતી.
સવારે સફળતા ન મળતા બપોરે ત્રણ વાગ્યા બાદ હત્યાને અંજામ આપ્યો
હત્યા થઈ એ દિવસે સવારે હર્ષ માધાપર ચોકડીએથી શીશામાં પેટ્રોલ લઇને પહોંચ્યો હતો. પણ સવારે સફળતા ન મળતાં બપોરે પોણા ત્રણથી પોણા ચારના સમયમાં મોટા ભાગના લોકો સુતા હોઈ અને અવર-જવર ઓછી ફરી એ સમયે એક્ટીવામાં પેટ્રોલની બોટલ લઇ પહોંચી ગયો હતો અને હત્યાને અંજામ આપી લાશ સળગાવી હતી.
આ ટીમે બલાઇન્ડ કેસ પરથી પડદો ઊંચક્યો
એસીપી રાધિકા ભારાઈના સીધા સુપરવીઝન અને રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા તથા એલસીબી ઝોન-2 પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાંધીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણા, નાસતા ફરતા સ્ક્વોડના અનિલભાઇ જીલરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, ડીસીબીના પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એ. એન. પરમાર, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર, કોન્સ. સંજયભાઇ ખાખરીયા અને પ્રતિકસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
હત્યા બાદ હર્ષ પોસ્ટમોર્ટમ રુમે પણ ગયો હતો!
નાના મનસુખભાઈની હત્યા કર્યા બાદ હર્ષ પોસ્ટમોર્ટમ રૂૂમે પણ હાજર હતો અને જાણે પોતે કંઇ જાણતો ન હોઇ તેવું વર્તન કરતો હતો. જો કે અંતે પોલીસ તપાસમાં તેનો ભાંડો ફુટયો હતો.તેના ચહેરા પર આ ગુનો આચર્યાનો કોઈ અફસોસ નહોતો.