સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધા
રણુજા મંદિર પાસે લાપાસરી રોડ પરનો બનાવ: ગળેટૂંપો આપી માર માર્યાનો અને સોનાની બુટી, મોબાઇલ લઇ ગયાનો આક્ષેપ: સત્ય હક્કિત જાણવા પોલીસ તપાસ
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધા ઉપર તેની સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે મારમારી ગળેટૂપો આપ્યા બાદ વૃદ્ધાને લાપસરી રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાં ફેકી દેતા ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધો બુમાબુમ કરતા લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી વૃદ્ધાને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં મિલકત અંગેનો ઝઘડો પણ કારણભૂત હોવાનુ જાણવા મળ્યું છે. જેથી પોલીસે સત્ય હક્કિત જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતી પરા શેરી નં.3માં રહેતા જોશનાબેન ખોડાભાઇ ભલગામડા (ઉ.વ.60)નામના વૃદ્ધા ગઇકાલે આજીડેમ ચોકડી પાસે હતા ત્યારે તેના નણંદ સોભનાબેનની પુત્રી સંગીતા તેને આજીડેમ ચોકડીથી એક્વિમાં બેસાડી રણુજા મંદિર પાસે આવેલા તેના ઘરે લઇ ગઇ હતી. જયા નણંદ સોભનાબેન તેનો પુત્ર ઓધાભાઇ અને સંગીતાએ મારમારી બાદમાં લાપસરી રોડ પર પાણી ભરેલા ખાડા પાસે લઇ જઇ તેને ગળાચીપ આપી પાણી ભરેલા ખાડામાં ફેકી દઇ ત્રણેય નાશી ગયા હતા.
બાદમાં વૃદ્ધાએ ખાડાની પાળ પકડી બૂમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઇ વૃદ્ધો ખાડામાંથી બહાર કાઢી 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જોશનાબેનના જણાવ્યા મુજબ તેમના સાસુ સારદાબેન પરસોતમભાઇ ભડગામડાનું આઠ દિવસ પહેલા હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોય જેથી નણંદ અને તેનો પરિવાર ત્રણ દિવસથી મારકૂટ કરતા હોવાનું જણાવ્યુ હતુ અને ગઇકાલે તેના પતિ પારેવડી ચોક પાસે મૂકી ગયા હતા જયાથી તેઓ આજીડેમ ચોકડી ગયા હતા ત્યારે નણંદની પુત્રી સંગીતાએ એક્વિમાં બેસાડી તેના ઘરે લઇ જઇ નણંદ સહિતના શખ્સોએ સાસુ સારદાબેનની હત્યાનું આડ મૂકી મારમારી ખાડામાં ફેકી દીધા હોવાનુ જણાવ્યુ હતુ. આ ઉપરાંત સોનાની બૂટી અને મોબાઇલ લઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. જયારે બીજી તરફ સાસુ સારદાબેનના મૃત્યુ બાદ મીલકત બાબતનુ ડખ્ખો ચાલતો હોવાનુ પણ જાણવા મળ્યું છે. જેથી આજીડેમ પોલીસે સત્ય હક્કિત શું છે. એ જાણવા બંન્ને પક્ષોને સાંજે પોલીસ મથક ખાતે બોલવવામાં આવ્યા છે.