રાજુલાની રવિવારીમાં નાગેશ્રીની મહિલાનું 2.39 લાખનું પર્સ ચોરાયું
સાડીની ખરીદી દરમિયાન ઘટના બની : 55 હજારની રોકડ પણ ગાયબ
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની એક મહિલા સોનીની દુકાને ઘરેણાનું કામ કરાવવું હોય દાગીના અને રોકડ લઈ રાજુલા આવ્યા બાદ રવિવારી બજારમાંથી ખરીદી કરતી વખતે રૂૂપિયા 2. 39 લાખનો મુદ્દામાલ ભરેલ પાકીટ કોઈ ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
દાગીના અને રોકડ ભરેલું પાકીટ ચોરાયાની આ ઘટના રાજુલામાં ગઈકાલે રવિવારી બજારમાં બપોરના એકાદ વાગ્યાના સુમારે માર્કેટિંગ યાર્ડ સામે બની હતી. નાગેશ્રીમા પ્લોટ વિસ્તારમાં રહેતા મનિષાબેન જેરામભાઈ બારૈયા (ઉ. વ. 40) ગઈકાલે રાજુલામાં સોનીની દુકાનનું કામ હોય ખરીદી માટે આવ્યા હતા. તેમને સોનાનો હાર તથા બુટ્ટીનું વજન કરાવી બુટ્ટી નાની હોય તેને મોટી કરાવવા માટે રૂૂપિયા 55 હજારની રોકડ રકમ લઈ સાથે આવ્યા હતા. અને બપોરના સમયે રવિવારી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા.
તેઓ એકાદ વાગ્યાના સુમારે એક લારીવાળા પાસે ઊભા રહી સાડી જોઈ રહ્યા હતા ત્યારે તેમના ખભામાં ટિંગાડેલા થેલામાં રાખેલું પાકીટ ચોરાઈ ગયું હતું. આ પાકીટમાં 2 તોલા વજનનો સોનાનો હાર, પોણા પાંચ ગ્રામ વજનની બુટ્ટી અને રૂૂપિયા 55 હજારની રોકડ હતી. તેમણે તુરંત આ અંગે રાજુલા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. જો કે પાકીટ ચોરી જનાર ગઠિયાની કોઈ ભાળ મળી ન હતી. પીએસઆઇ એમ. એફ. ચૌહાણ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.