બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યા
બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને સાત વર્ષના સગા બે દીકરાઓની ઘાતકી હત્યા કરી નાખી હતી.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ સપનામાં બલિ ચડાવવાનો આદેશ મળ્યાના વહેમમાં પોતાના જ બે માસૂમ દીકરાઓની હત્યા કરી નાખી.
આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે મહિલાને સપનામાં કોઈ શક્તિ દ્વારા બાળકોની બલિ ચડાવવાનો આદેશ થયો હોવાનું માનવામાં આવ્યું. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને સાત વર્ષના સગા બે દીકરાઓની ઘાતકી હત્યા કરી નાખી હતી.
બે બાળકોનો ભોગ લીધા બાદ પણ મહિલાનો ગુસ્સો શાંત ન થતા તેણે પોતાના સસરાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે સદનસીબે સસરાનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી સમગ્ર બીલીમોરા શહેરમાં ચકચાર અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દેવસર વિસ્તારમાં પહોંચી હતી અને હત્યારી મહિલાની ધરપકડ (અટકાયત) કરી હતી. પોલીસે હત્યાનું ચોક્કસ કારણ, અંધશ્રદ્ધાની હકીકત અને આ પગલું ભરવા પાછળ કોના કહેવાથી પ્રેરાઈ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.