ઇસ્કોન મંદિરમાં મારી પુત્રીને ડ્રગ્સ આપી બ્રેઇનવોશ કરાયું
શિષ્ય સાથે લગ્ન કરવા ઉશ્કેરી, છ માસથી લાપતા દીકરીને પરત મેળવવા પિતા અમદાવાદ હાઇકોર્ટના દ્વારે, 600 યુવતીઓને ગોંધી રાખ્યાનો પણ ચોંકાવનારો આક્ષેપ, નવમીએ સુનાવણી
શહેરના એસ.જી હાઇવે પર આવેલા જાણીતા ઇસ્કોન મંદિર વિશે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક લાચાર પિતાએ ઇસ્કોન મંદિર સામે ગુજરાત હાઇકોર્ટમાં એક હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી છે.
અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા પિતાએ છેલ્લા છ માસથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ઈસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈનવોશ કરી તેને ગોંધી રાખી હોવાના ઉપરાંત રાજસ્થાનના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાના આક્ષેપ સાથે દીકરીને પાછી મેળવવા માટે આ પિતાએ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.
અરજદાર તરફથી હેબીયર્સ કોર્પસમાં એવો આક્ષેપ કરાયો છે કે મંદિરના પૂજારી સુંદર મામાએ એક શિષ્ય સાથે મારી દીકરીને લગ્ન કરી દેવા હુકમ પણ કર્યો હતો. જો કે, અરજદારે ના પાડી હતી. તેઓએ તેમના સમાજમાં તેમની દિકરીને પરણાવવા જણાવ્યું હતું. ત્યારબાદ અરજદારને ધમકીઓ મળી હતી અને આખરે મથુરાના એક શિષ્ય સાથે તેમની પુત્રીને ભગાડી દેવાઇ હતી.
અરજદારે પોતાની અરજીમાં પુત્રીને જીવનું જોખમ હોવાની અને તેને ગાંજો-ડ્રગ્સ અપાતુ હોવાના ઇસ્કોન મંદિરના પુજારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીએ રાખી છે.
હાઇકોર્ટની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ, ઈસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરૃધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.
અરજીમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે માત-પિતા કરતા પણ ગુરુ મહત્ત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.